મુંબઈના ઘાટકોપરમાં ઉઘાડા મેનહોલમાં પડી જતાં ગુજરાતી ગૃહિણીનું કરૂણ મૃત્યુ; તપાસનો આદેશ

મુંબઈઃ પૂર્વ મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં ગયા શનિવારે એક ખુલ્લા મેનહોલને કારણે નાળામાં પડી જતાં તણાઈ ગયેલાં એક ગુજરાતી મહિલાનો મૃતદેહ આજે સવારે પશ્ચિમ ભાગમાં આવેલા હાજી અલી દરગાહ (વરલી) વિસ્તારમાં સમુદ્રકાંઠે મળ્યો હતો. આ બનાવ અંગે ઘાટકોપરમાં રહેતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં મહાપાલિકાના અધિકારીઓ સામે ક્રિમિનલ બેદરકારીની લેખિત ફરિયાદ નોંધાવી છે.

મૃતકનું નામ શીતલ જિતેશ દામા છે, જેમની વય 32 વર્ષની હતી. એમનાં પરિવારમાં એમનાં પતિ, 2 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે.

મહાનગરપાલિકાએ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.

ઘાટકોપરના અસલ્ફા વિસ્તારનું નાળું માહિમ ઉપનગરમાં મિઠી નદીમાં ભળી જાય છે.

મહિલાનો મૃતદેહ તણાઈને સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હાજી અલી સમુદ્રકાંઠે મળી આવ્યો હતો. એને પગલે તારદેવ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધણી કરી હતી. પોલીસે મહિલાની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. એ વખતે તેમને જાણ કરાઈ હતી કે ગયા શનિવારે મુંબઈમાં અનરાધાર વરસાદ પડ્યો હતો ત્યારે ઘાટકોપરમાં એક મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી એવું માલૂમ પડ્યું હતું. એ સાથે જ તે મહિલાની ઓળખ થઈ શકી હતી.

આ અકસ્માત મુંબઈ મહાનગરપાલિકાની ભૂલને કારણે બન્યો છે કે હત્યાનો કેસ છે? એ વિશે મહાનગરપાલિકાએ આદેશ આપ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના અતિરિક્ત કમિશનર પી. વેલારાસૂએ એમના ડેપ્યુટીને આદેશ આપ્યો છે કે આ ઘટનામાં તપાસ કરવામાં આવે. એ માટે આજુબાજુ મૂકવામાં આવેલા સીસીટીવી ફૂટેજનો પણ ઉપયોગ કરવો.

મુંબઈમાં ગયા શનિવાર 3 ઓક્ટોબરે રાતે અચાનક મુસળધાર વરસાદ પડ્યો હતો. એને કારણે અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. એ વખતે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં એક નાળામાં શીતલ દામા નામની 32 વર્ષની એક મહિલા પડી જવાથી તણાઈ ગયાની ઘટના બની હતી.

 

પરંતુ, મહિલાનો મૃતદેહ છેક હાજીઅલી વિસ્તારમાં સમુદ્રકાંઠે કેવી રીતે પહોંચ્યો એ વિશે ચર્ચા થઈ રહી છે. અસલ્ફા વિસ્તાર અને હાજીઅલી વચ્ચે લગભગ 20-22 કિ.મી.નું અંતર છે. મૃતદેહ અસલ્ફાના નાળામાંથી ક્યાંય ન અટકીને હાજીઅલી સમુદ્રકાંઠે પહોંચ્યો એ વિશે મહાપાલિકાના અધિકારીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે, મહાપાલિકાએ વરસાદના પાણીના નિકાલ માટે મોટી પાઈપલાઈનો, ગટરમાંથી વહેતા પાણીમાંનો કચરો રોકવા માટે અનેક ઠેકાણે મોટી જાળીઓ-ગ્રીલ્સ બેસાડી છે. અસલ્ફાની આગળ જતા સાકીનાકા વિસ્તારમાં મૂકવામાં આવેલી ગ્રીલ્સમાં અટકાયેલો કચરો દરરોજ દૂર કરવામાં આવે છે. અસલ્ફાનું નાળું મિઠી નદીને માહિમમાં જઈને મળે છે તો શીતલ દામાનો મૃતદેહ તણાઈને માહિમ મળવો જોઈતો હતો, પરંતુ એને બદલે તે હાજીઅલીના સમુદ્રકિનારે કેવી રીતે પહોંચ્યો એ વિશે હવે તપાસ થઈ રહી છે.

ઘાટકોપર વિસ્તારના ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આ વિશે જાતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે. એમણે કહ્યું છે કે શીતલ દમાનાં મૃત્યુ બદલ મહાપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ભારતીય ફોજદારી ધારાની કલમો 34, 279, 304, 406, 420 અન્વયે પગલાં લેવાની માગણી કરી છે.

સોમૈયાનો આક્ષેપ છે કે ઘટના જ્યાં બની તે ગટર પર અગાઉ સીમેન્ટના ઢાંકણ બેસાડેલા હતા, પરંતુ ગયા જાન્યુઆરી મહિનાથી ગટરોનું સમારકામ શરૂ કરાયા બાદ હલકી ગુણવત્તાવાળા ઢાંકણ બેસાડવામાં આવ્યા હતા. મહાપાલિકાના ભ્રષ્ટ કારભારને કારણે બે માસુમ સંતાન માતાવિહોણા થઈ ગયાં છે.

આ ઘટનાને કારણે ઘાટકોપરના રહેવાસીઓમાં ખૂબ રોષ ફેલાયો છે. ગટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને મહાપાલિકા અધિકારી પર સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવો જોઈએ એવી માગણી કરાઈ રહી છે.