મુંબઈ – મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી બસ આવતા મહિને જ નિર્ધારિત છે ત્યારે મુખ્ય પ્રધાન અને શાસક ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ એમની જનસંપર્ક ઝુંબેશ જોરશોરથી ચલાવી રહ્યા છે. એક મુલાકાતમાં એમણે કહ્યું કે જો એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં કામ કરવાનો મોકો આપવામાં આવશે તો એમને ખુશી થશે.
પીટીઆઈ સમાચાર સેવાને આપેલી મુલાકાતમાં ફડણવીસે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં હવે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.
તમને કેન્દ્ર સરકારમાં કામ કરવાનું કહેવામાં આવે તો તમારો પ્રતિસાદ શું હશે? ત્યારે જવાબમાં ફડણીસે કહ્યું કે, મને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કામ કરવામાં આનંદ આવશે.
ફડણવીસે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે ઓક્ટોબરમાં નિર્ધારિત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભાજપની આગેવાની હેઠળ એનડીએ જીત મેળવશે અને પોતે મુખ્ય પ્રધાન તરીકે ફરી સત્તા સંભાળશે.
ફડણવીસે મહારાષ્ટ્રમાં પોતાની મહાજનાદેશ યાત્રા શરૂ કરી છે જે 19 સપ્ટેંબરે નાશિક જિલ્લામાં સમાપ્ત થશે. એ વખતે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે એવી ધારણા છે.
ફડણવીસે કહ્યું કે લોકોનો કોંગ્રેસ પરથી, ખાસ કરીને રાહુલ ગાંધી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એ ગમે તે વચન આપે, એમની કોઈ વિશ્વસનીયતા રહી નથી.
મહારાષ્ટ્રમાં 2014ની ચૂંટણીમાં ભાજપે કુલ 288 બેઠકોમાંથી 122 બેઠક જીતી હતી જ્યારે એની સહયોગી પાર્ટી શિવસેનાએ 63 સીટ જીતી હતી.