સાહિત્યકાર દિનકર જોષીની સર્જનયાત્રાનો સન્માન કાર્યક્રમ ૨-ઓકટોબરે

મુંબઈઃ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો.દિનકર જોષીના સાહિત્યસર્જનની યાત્રાના એક અનોખા ઉત્સવનું “શબ્દથી સર્જક સુધી” શિર્ષક અંતર્ગત તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૨ને રવિવારે ‘ગાંધી જયંતી’ના શુભદિવસે સાંજે ૪.૩૦ કલાકે શ્રી કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્જક ડો. દિનકર જોષીના પ્રસિદ્ધ પુસ્તકો-ગ્રંથો ‘ચક્રથી ચરખા સુધી’, ‘શ્યામ એકવાર આવોને આંગણે’, ‘પ્રકાશનો પડછાયો’, ‘એક ટુકડો આકાશનો’, ‘મહાભારતમાં માતૃ-પિતૃ વંદના’, ‘અયોધ્યાનો રાવણ અને લંકાનો રામ’, ઇત્યાદિમાંથી ઉત્તમ અંશોની વાચિકમ સ્વરુપે પ્રસ્તુતિ કરવામાં આવશે. 

આ પ્રસ્તુતિ ગુજરાતી નાટ્યજગતના પ્રસિદ્ધ કલાકારો સનત વ્યાસ, જ્હોની શાહ, વૈશાલી ત્રિવેદી, ક્રિષ્ના ઓઝા તથા દર્શન મહાજન કરશે. આ સાથે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપક કવિત પંડ્યા તથા વિદ્યાર્થિની નિકિતા પોરિયા પણ ગદ્ય અંશોની પ્રસ્તુતિ કરશે.

આ પ્રસંગે દિનકર જોષીના સમગ્ર સાહિત્યસર્જનનું પ્રદર્શન તથા વેચાણનું આયોજન પણ રાજકોટ સ્થિત પ્રવીણ પ્રકાશનના સહયોગથી કરવામાં આવ્યું છે, જેમાં પ્રવિણ પ્રકાશનના ગોપાલભાઈ પટેલે તેમના તરફથી પુસ્તકની ખરીદી પર પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

આ પ્રસંગે કેઈએસના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહેશે. તાજેતરમાં દિનકરભાઈ માટે જાહેર થયેલા દર્શક (મનુભાઈ પંચોળી) એવોર્ડ નિમિત્તે  આ પ્રસંગે તેમનું અભિવાદન કરાશે. આ કાર્યક્રમમાં રસિકજનોને સંસ્થા તરફથી જાહેર આમંત્રણ છે.