મુંબઈઃ થોડોક વિરામ લીધા બાદ કમોસમી વરસાદ ફરી ત્રાટક્યો છે. મુંબઈમાં અમુક વિસ્તારોમાં ગઈ કાલ રાતથી ધીમી ધારનો વરસાદ શરૂ થયો છે. આજે સવારથી આકાશ વાદળછાયું છે. ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે. મુંબઈ શહેર તથા પડોશના થાણે અને પાલઘર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે અને ‘યેલો એલર્ટ’ ઘોષિત કર્યું છે.
અહેવાલો અનુસાર, દક્ષિણ મુંબઈ અને પશ્ચિમી ઉપનગરો જેવા સમુદ્રકાંઠાની નજીકના વિસ્તારોમાં તેમજ થાણે જિલ્લામાં થાણે શહેર, કલ્યાણ શહેર જેવા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 1 ડિસેમ્બરની આસપાસ મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્ર પરના આકાશમાં હવાના નીચા દબાણનું ક્ષેત્ર સર્જાયું હોવાને કારણે ભારે વીજળીના ચમકારા-કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ગઈ કાલ રાતથી ધીમો વરસાદ છે. ગુજરાત, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ પ્રકારનું હવામાન બીજી ડિસેમ્બરના ગુરુવારે પણ ચાલુ રહેવાની સંભાવના છે.





