મુંબઈઃ યુવાવયની સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનનાં શંકાસ્પદ મૃત્યુના કેસે ભારે ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આ કેસને ફરી ખોલાવ્યો છે અને નવેસરથી તપાસ હાથ ધરવાનો મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે. આ તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાશે. દિશાનાં મૃત્યુ પ્રકરણમાં શિવસેનાના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ પણ ચર્ચામાં છે. આદિત્યએ એ વિશે હવે મૌન તોડ્યું છે.
એમણે કહ્યું છે કે દિશાનું મૃત્યુ થયું હતું ત્યારે પોતે એમનાં નાનાને જોવા હોસ્પિટલમાં હતા. આદિત્યના આ નિવેદનથી એવી અટકળોનો અંત આવી જાય છે જેમાં એવું કહેવાતું રહ્યું છે કે 2020ની 8 જૂનની રાતે મુંબઈના મલાડ (વેસ્ટ) સ્થિત એક બહુમાળી મકાનના 14મા માળ પરના એક ઘરની બાલ્કનીમાંથી પડી જવાથી દિશાનું મૃત્યુ થયું હતું. એ જ ઘરમાં પાર્ટી માટે કેટલાક લોકો ભેગાં થયાં હતાં. એમાં દિશા અને આદિત્ય પણ સામેલ હતાં. હવે આદિત્યએ કહ્યું છે કે, ‘મારી સામે ભલે ગમે તેવા આક્ષેપો થયા હોય, આ પ્રકરણમાં સત્ય બહાર આવશે. શિંદે-ફડણવીસ સરકાર એમને ઠીક લાગે એટલી તપાસો મારી મારી વિરુદ્ધ કરાવે, હું ગભરાતો નથી. 32 વર્ષના એક યુવાને મહારાષ્ટ્રની સરકારને હચમચાવી મૂકી છે.’
ભાજપના વિધાનસભ્ય નીતેશ રાણેએ માગણી કરી છે કે આદિત્ય ઠાકરેની નાર્કો ટેસ્ટ લેવી જોઈએ જેથી સત્ય બહાર આવે. દિશા સાલિયાનનું મૃત્યુ આકસ્મિક નહોતું, પણ એની હત્યા કરવામાં આવી હતી.
