700 વર્ષ પહેલાંની ફેસિનેટિંગ ટેક્સ્ટાઈલ સૃષ્ટિમાં જવું છે?

કેતન મિસ્ત્રી

જે જાયે જાવે તે ફરી ના આવે

જો ફરી આવે તો

પડ્યા પડ્યા ખાવે

એટલું ધાન લાવે….

મુંબઈઃ કાપડના વેપારમાં ખર્ચે ન ખૂટે એટલું ધન કમાનારા સાહસિક ગુજરાતી વેપારીઓનું વર્ણન કરતી આ કહેવત 19મી સદી સુધી પ્રચલિત હતી. 13મીથી 18મી સદીમાં ગુજરાતમાં બનેલા કાપડના આંતરરાષ્ટ્રીય વેપાર પર આપણા ગુજરાતી વેપારીઓની પકડ હતી. હિંદ મહાસાગરની આસપાસ જાવા સુમાત્રા, દક્ષિણ-પૂર્વ એશિયાથી ઇજિપ્ત સુધીની બજારોમાં આરબ ઉપરાંત આપણા ગુજરાતી વેપારીની ગાંસડીઓ ઠલવાતી.

સાતસો વર્ષ પહેલાંની આ ફેસિનેટિંગ દુનિયામાં જવું હાલ શક્ય છે.

કેવી રીતે? એ પછી પહેલાં તમે આ વાંચોઃ

આ એ ફેસિનેટિંગ દુનિયા હતી, જેમાં પહોળી છાતીવાળા ગુજરાતી વેપારીનાં વહાણ ખંભાત, સુરત, કે બંગાળના ઉપસાગરના મછલીપટ્ટનમ્ જેવાં બંદરથી નીકળતાં.

-અને શું રહેતું એ વહાણમાં? સુતરાઉ કાપડથી ભરેલી ગાંસડીઓ, જે દૂર-સુદૂર પરદેશનાં બંદરો પર ઠલવાતી. આટલું જ નહીં, દરિયાનાં ઊછળતાં મોજાં પર સાહસસફર કરતાં એ વહાણ ભારત પાછાં ફરતાં ત્યારે એ આપણી બજારમાં જેની માગ હોય એવી ચીજવસ્તુથી ભરેલાં રહેતાં. હા, એ જમાનો બાર્ટરનો એટલે કે વસ્તુ-વિનિમયનો હતોઃ એક વસ્તુ આપીને સામે બીજી લેવાની.

યુરોપિયન ટ્રેડિંગ કંપનીઓ અસ્તિત્વમાં આવી એ પહેલાં મરીમસાલા-તેજાના ખરીદવા સોનું-ચાંદી નહીં, પણ ભારતીય કાપડ એક ફેવરીટ ચલણ ગણાતું. પૂર્વની બજારોમાંથી મસાલાની ખરીદી માટે ભારતીય કાપડનું મહત્વ પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બરાબર સમજી ગયેલી. આથી જ ભારતનું કાપડ ખરીદવાની એમનામાં રીતસરની હોડ લાગેલી, જેમાં ખાસ તો, ગુજરાતનું કૉટન અને સિલ્ક હતાં. કેમ કે ફાટે પણ ફીટે નહીં એવી એની શાખ હતી. પાટણનાં રેશમી પટોળાંની સાઉથઈસ્ટ એશિયાના રાજામહારાજા, સુલતાનોમાં જબ્બર માગ રહેતી.

સુરતના પ્રખ્યાત TAPI કલેક્શનનાં સ્થાપક પ્રફુલ્લ અને શિલ્પા શાહે ટેક્સટાઇલનો આ ખજાનો, સાતસો વર્ષ પહેલાંની એ સૃષ્ટિ કલાપ્રેમીઓ માટે રજૂ કરી છે. કોઈ એક સમયે ‘પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ’ તરીકે જાણીતા મુંબઈના વિશ્વવિખ્યાત ‘છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય’નાં 100 વર્ષની ઉજવણીના અવસરે આ ઉમદા પ્રદર્શન હાલ ચાલી રહ્યું છે, જેનું નામ છેઃ “વ્હેન ઇન્ડિયન ફ્લાવર્સ બ્લૂમ્ડ ઈન ડિસ્ટન્ટ લૅન્ડ્સઃ માસ્ટરવર્ક્સ ઑફ ટ્રેડ ટેક્સ્ટાઈલ્સ, 1250-1850 ઈન ધી TAPI કલેક્શન…” કલાપ્રેમીએ, કાપડપ્રેમીએ આ પ્રદર્શન ચૂકવા જેવું નથી. વાસ્તુ સંગ્રહાલયના કુમારસ્વામી હૉલમાં 15 માર્ચ, 2023 સુધી નિહાળી શકાશે.