‘વરસાદી સાંજે હાસ્યની હેલી’ કાર્યક્રમઃ વરસાદ વિના પણ શ્રોતાઓ ભરપૂર ભીંજાયા

મુંબઈઃ ગયા શનિવારે સાંજે કાંદિવલીમાં ‘હાસ્યની હેલી’ આવી હતી. વરસાદ સાથે હાસ્યના વિષયને આવરી લઈ યોજાયેલા નિબંધ-લેખ અને કાવ્ય પઠનના રસપ્રદ કાર્યક્રમને શ્રોતાઓએ મનભરી માણ્યો હતો. અહીં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ‘ગુજરાતી ભાષાભવન’ અને પરિવર્તન પુસ્તકાલય દ્વારા સંયુક્તપણે યોજાયેલા ભાષા-સાહિત્યલક્ષી રસપ્રદ કાર્યક્રમમાં ગુજરાતી રંગભૂમિનાં સુપ્રસિદ્ધ અને સન્માનનીય એવા મીનળ પટેલ, યામિની પટેલ સહિતના કલાકારોએ વિવિધ લેખકોના સર્જનનું પઠન કરીને એવી જમાવટ કરી હતી કે સભાગ્રુહમાં હાસ્યના ફુવારા ઉડ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય અને સીમાસ્તંભરૂપ સાહિત્યકારોની સુંદર હાસ્ય ગદ્ય-પદ્ય કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કે.ઈ.એસ.ની જયંતિલાલ પટેલ લૉ કૉલેજનાં હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કે.ઈ.એસ.ના ભૂતપૂર્વ વિધાર્થિની નિકિતા પોરિયા, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિધાલયનાં શિક્ષિકા દીપ્તિ રાઠોડ અને યુવા કલાકાર વત્સલ પૂજારાએ પણ પોતપોતાની આગવી શૈલીમાં પઠન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન પ્રા. ડૉ.કવિત પંડ્યાના હતા. આ વાચિકમમાં તેમણે પણ ભાગ લીધો હતો.

કાર્યક્રમનાં પ્રારંભે કે.ઈ.એસ.ના ટ્રસ્ટી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહે આ સુંદર કાર્યક્રમનાં આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, હાસ્યની વાત નિરાળી છે. રડવામાં દરેક અક્ષર જુદા-જુદાં છે, જ્યારે હાસ્યમાં ‘હા’ છે અને ‘સ’ તેમજ ‘ય’ એટલે કે મન અને આનંદ બંને ભેગા છે, આ બંને સાથે હોય ત્યારે જ ‘હાસ્ય’ આવે. બધાંને હસવું ગમતું હોય છે. મન અને આનંદ વચ્ચે બહુ ફરક હોય છે, કિંતુ હાસ્યમાં મન અને આનંદ ભેગા થાય છે.

ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક ડો. દિનકર જોશીએ સૌને આવકાર્યા હતા અને જયોતિન્દ્ર દવે તેમ જ ચુનીલાલ મડિયા વિશેના એમના રસપ્રદ અનુભવો શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.

આદરણીય રંગકર્મી મીનળ પટેલે મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ની વરસાદકેન્દ્રી બે ઉત્તમ રચનાઓની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને રસતરબોળ કરી ખડખડાટ હસાવ્યા હતાં. હાલની ૭૯ વરસની ઉંમરે પણ એમનું રંગભૂમિ અને કલા પ્રત્યેનું સમર્પણ સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું.

ત્યારબાદ યામિની પટેલે હાસ્યસમ્રાટ બકુલ ત્રિપાઠીનો સુંદર હાસ્ય નિબંધ અને ગૌરાંગ ઠાકરની એક વરસાદી કવિતા પ્રસ્તુત કરી સૌને હાસ્યથી ભીંજવી દીધાં હતાં. યુવાકલાકાર નિકિતા પોરિયાએ કવિ, નિબંધકાર ચંદ્રકાન્ત શેઠના હાસ્યનિબંધ ‘વરસાદ અને વહુ’ની હળવીશૈલીમાં સુંદર પ્રસ્તુતિ કરી હતી. વત્સલ પૂજારા અને દીપ્તિ રાઠોડે ગુજરાતી ભાષાના શિરમોર કવિ રમેશ પારેખ અને ચંદ્રકાન્ત શાહના વરસાદી કાવ્યોની રજૂઆત કરી હતી.

એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપક કવિત પંડ્યાએ ઉત્તમ નવલકથાકાર અને નિબંધકાર વીનેશ અંતાણીના સુંદર વરસાદી નિબંધની પ્રસ્તુતિ કરી દરેકને પોતપોતાના વરસાદની અનુભૂતિ કરાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરતી વખતે કીર્તિ શાહે કેઈએસ  સંસ્થાની ગુજરાતી ભાષાના સંવર્ધન માટેના સાતત્યપૂર્ણ પ્રયાસોને, શિક્ષણની ઉત્તમ ગુણવત્તા જાળવવાના ધ્યેયને, ગુજરાતી ભાષા ભવનની સ્થાપનાને તેમ જ અનેકવિધ સાહિત્યલક્ષી પ્રવૃતિઓને બિરદાવી હતી.

અંતમાં ગુજરાતી ભાષા ભવન-પરિવર્તન પુસ્તકાલયના સંયોજક જયેશ ચિતલિયાએ સૌનો આભાર માની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જાણીતાં લેખિકા વર્ષા પાઠક, ‘પ્રબુધ્ધ જીવન’ના તંત્રી સેજલ શાહ, કવિ સંજય પંડયા, સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના એ.બી. મહેતા સહિત અનેક રસિકજનોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો અને બિરદાવ્યો હતો.