મુંબઈઃ અત્રેની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંસ્થાની શ્રોફ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ (ઓટોનોમસ)માં શિક્ષણમાં સત્વ પૂરે એવો એક કોર્સ શરૂ થઈ રહ્યો છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પાઠ સાથે જીવનમાં સફળ થવાના અને સ્વયંમાં ઊંડે ઊતરવાના પાઠ પણ અલગથી ભણવા મળશે. કોલેજના સેન્ટર ફોર હ્યુમન વેલ્યુઝ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગહન પરિચય કરાવતા એક કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ કોર્સ ઓફ્ફ-લાઈન ધોરણે ચલાવાનું આયોજન હતું, કિંતુ વર્તમાન કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીને આ કોર્સ ઓનલાઈન રહેશે.
આ કોર્સનો પહેલો બેચ આગામી 21 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે. 18 દિવસ દરરોજ સાંજે 5-30થી 8-00 વાગ્યા સુધી એક-એક અધ્યાય પર વિવિધ ક્ષેત્રના વિદ્ધાન વક્તાઓ દરેક અધ્યાયના ગૂઢ ભાવાર્થનો પરિચય કરાવશે.
કે.ઈ.એસ.ના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડેન્ટ મહેશ શાહના જણાવ્યા મુજબ ‘વિદ્યાર્થીઓ ભગવદ્દ ગીતાથી પરિચિત હોય છે, પણ એમને જીવનમાં ગીતાના ઉપયોગ વિશે જાણકારી નથી હોતી. આ વર્ષે કોલેજનો થીમ છે: ‘ચેલેન્જ ધ ચેલેન્જિઝ’ એટલે કે ‘પડકારોને જ પડકારો’. એ રીતે જીવનના પડકારોને ઝીલવાનું શિક્ષણ આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને મળશે. ગીતાનું શિક્ષણ એટલું વ્યાપક છે કે એમાં મેનેજમેન્ટ, સેલ્ફ-ડેવલપમેન્ટ, હ્યુમન સાયકોલોજી સહિત દરેક વિદ્યાર્થીને જેમાં રસ હોય એ વિષયના પાઠ મેળવી શકે છે.’
આ કોર્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, આઈ.એ.એસ. અધિકારીઓ, શિક્ષણવિદ્દો, સંન્યાસીઓ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોર્પોરેટ ટ્રેનર સહિત વિવિધ ક્ષેત્રના ટોચના વિદ્વાનો વક્તવ્ય આપવાના છે.
કોલેજનાં પ્રિન્સિપાલ ડો. લીલી ભૂષણ કહે છે, ‘ગીતામાં જીવન જીવવાની આદર્શ રીત દર્શાવવામાં આવી છે. આધુનિક સમાજમાં અનેક પરિવર્તન આવ્યાં છે, જે યુવાનોને આદર્શોથી દૂર કરી રહ્યાં છે. ગીતાના શિક્ષણથી યુવાનોને ફરી આદર્શ અને નીતિના માર્ગનું મહત્વ સમજાશે. એને કારણે આજના સમયમાં તો આ કોર્સ અત્યંત મહત્વનો છે.’
વિદ્યાર્થીઓ માટે હોવા છતાં ભગવદ્દ ગીતાના પ્રેમીઓ અને અભ્યાસીઓ પણ આ કોર્સમાં ભાગ લઈ શકે છે. વિધાર્થી સિવાયના લોકોને મર્યાદિત સંખ્યામાં ‘વહેલો તે પહેલો’ના ધોરણે પ્રવેશ અપાશે. કોરોના પ્રોટોકોલનું પાલન થશે. કોર્સ પૂરો કર્યા પછી સહભાગીઓ માટે વૈકલ્પિક પરીક્ષા હશે, જેના આધારે એમને સર્ટિફિકેટ આપવામાં આવશે.
કોર્સની વધુ વિગતો માટે સત્યમ ગુપ્તા(7977233690) અને જ્હાનવી હિન્ડોચા (8454951472)નો સંપર્ક કરી શકાશે.
સ્થળ-સમય-તારીખઃ 21 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી (26 જાન્યુઆરી સિવાય), એસી ઓડિટોરિયમ, કે.ઈ.એસ. શ્રોફ કોલેજ, કાંદિવલી(વેસ્ટ), મુંબઈ. ઉક્ત કોલેજનાં વિધાર્થીઓ સિવાયના લોકો માટે આ કોર્સ ઓનલાઈન ધોરણે રહેશે.