મુંબઈઃ મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન ધનંજય મુંડેપર બળાત્કારનો આરોપ લગાડનારી મુંબઈની મહિલાએ પોલીસમાં નોંધાવેલી પોતાની ફરિયાદ પાછી ખેંચી છે. એક આઇપીએસ અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાએ તપાસ કરનારા અધિકારીને કહ્યું છે કે તે મુંડેની સામે ફરિયાદ પાછી ખેંચી રહી છે. જોકે તેણે આ નિર્ણય પાછળનું કારણ નથી જણાવ્યું. પોલીસે આ ફરિયાદીને આ સંદર્ભમા સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું. મહિલાએ સામાજિક ન્યાયપ્રધાન મુંડે (45) પર 2006માં લગ્ન કરવાનું વચન આપીને તેની પર બળાત્કાર અને યૌન ઉત્પીડન કર્યું હતું. મહિલાએ 11 જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને મહિલાને નિવેદન નોંધાવા માટે ઓશિવારા પોલીસ સ્ટેશન પણ ગઈ હતી. બીડ જિલ્લાના વરિષ્ઠ એનસીપી નેતા મુંડેએ આ આરોપનો ઇનકાર કર્યો હતો અને એને બ્લેકમેઇલનો પ્રયાસ ગણાવ્યો હતો. જોકે પ્રધાને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ફરિયાદકર્તા મહિલાની બહેન સાથે તેમના સંબંધ હતા.
મુંડેએ જણાવ્યું હતું કે ફરિયાદીની બહેન સાથે મારે અનેક વર્ષોથી સહમતીથી સંબંધ હતો અને તેની જાણ મારા કુટુંબ, પત્ની અને મિત્રોને પણ છે. આ પરસ્પર સંબંધથી અમારે એક પુત્ર અન એક પુત્રી-એમ બે સંતાન પણ છે. ત્યારે મેં તેમનાં પાલનપોષણની જવાબદારી પણ સ્વીકારી હતી, એમ તેમણે કહ્યું હતું.
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણનવીસે કહ્યું હતું કે ભાજપ મુંડેને કેબિનેટમાં દૂર કરવાની માગ કરે છે.