માથેરાનમાં ઈ-રિક્ષા શરૂ; પર્યટકોમાં આનંદ

માથેરાનઃ મુંબઈ હાઈકોર્ટના આદેશને પગલે મુંબઈ નજીક રાયગડ જિલ્લામાં પશ્ચિમી ઘાટના પહાડો પર આવેલા હિલ સ્ટેશન માથેરાન પર આજથી પર્યાવરણને અનુકૂળ એવી ઈ-રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ આજે સવારે 11 વાગ્યે માથેરાનના પ્રવેશદ્વાર એવા દસ્તુરી નાકા ખાતેથી ઈ-રિક્ષા સેવાનો શુભારંભ કર્યો છે. આ સેવા જોકે ત્રણ મહિના માટે પ્રયોગાત્મક ધોરણે શરૂ કરવામાં આવી છે. લાલ માટીના કાચા રસ્તાઓ ધરાવતા માથેરાનમાં માત્ર ઘોડા અને હાથરિક્ષા માટે જ પરવાનગી છે. ઈંધણ સંચાલિત વાહનો પર પ્રતિબંધ છે. એમ્બ્યુલન્સને બાદ કરતાં કોઈ પણ પ્રકારના મોટર-સંચાલિત વાહનો ચલાવવાની પરવાનગી નથી. એને કારણે માથેરાન પર્યટકો-સહેલાણીઓમાં એક અનોખું આકર્ષણ ધરાવે છે.

પાંચ ઈ-રિક્ષાની સેવા માત્ર મહાત્મા ગાંધી રસ્તા પર જ ચલાવવામાં આવશે. આ રિક્ષા સેવા દસ્તુરી નાકા (અમન લોજ સ્ટેશન નજીકના ટેક્સી સ્ટેન્ડ)થી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (ઓલિમ્પિયા રેસ કોર્સ) વચ્ચે – વાયા ઈન્દિરા નગર, કમ્યુનિટી સેન્ટર (માથેરાન રેલવે સ્ટેશન નજીક) અને કસ્તુરબા રોડ સુધી ઉપલબ્ધ રહેશે. આ રિક્ષા સેવા સોમથી ગુરુવારના દિવસોએ સવારે 6.30થી સાંજે સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સપ્તાહાંતમાં પર્યટકોના થતા ધસારાને ધ્યાનમાં રાખીને દર શુક્રવાર, શનિવાર અને રવિવારે આ સેવા રાતે 10 વાગ્યા સુધી ચાલુ રખાશે.

દરેક ઈ-રિક્ષામાં ત્રણ પેસેન્જરને બેસાડવામાં આવશે. માથાદીઠ સવારી ચાર્જ રૂ. 35 છે. જોકે વિદ્યાર્થીઓને માત્ર પાંચ રૂપિયા ચાર્જ કરાશે. આ રિક્ષા સૌને માટે ઉપલબ્ધ છે, પરંતુ વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વયોવૃદ્ધ અને વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા અપાશે. માર્ગમાં ચાર સ્થળે રિક્ષા માટે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા રખાઈ છે.

બ્રિટિશ શાસકોએ 1850ની સાલમાં માથેરાનની શોધ કરી હતી. ત્યારથી આ હિલસ્ટેશનના પર્યાવરણને નુકસાન ન થાય એના સતત અને કડક પગલાં લેવાય છે. માથેરાનમાં બધે કાચા રસ્તાઓ પર ચાલતાં જવું પડે છે. માત્ર ઘોડા કે ડોલી, હાથરિક્ષાની જ વ્યવસ્થા છે. માથેરાન રેલવે સ્ટેશન અને મધ્ય રેલવેના નેરલ સ્ટેશન વચ્ચે મિની-ટોય ટ્રેનની સેવા છે. જોકે 2019ની ચોમાસાની મોસમમાં અનેક જગ્યાએ ટ્રેનના પાટાઓને નુકસાન પહોંચતાં મિની ટ્રેન સેવા માથેરાન અને અમન લોજ (દસ્તુરી નજીક) વચ્ચે જ ઉપલબ્ધ છે. માથેરાન તરફ જવા માટે દસ્તુરી પોઈન્ટથી આગળ વાહનોને જવાની પરવાનગી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]