મુંબઈ – જાતીય સતામણીના આરોપોમાંથી આલોક નાથ અને વિકાસ બહલને ક્લીન ચિટ મળ્યા બાદ હવે નાના પાટેકરને પણ એ લાભ મળ્યો છે.
ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે બોલીવૂડના અભિનેતા નાના પાટેકરને એમની સામે ‘મી ટુ’ કેસમાં કરવામાં આવેલા આરોપમાંથી મુક્ત કરી દીધા છે.
નાના પાટેકરનો કેસ બંધ કરી દેવાયો છે. આનું કારણ એ છે કે એમની સામે કોઈ પુરાવો મળ્યો નથી. મુંબઈ પોલીસે સ્થાનિક કોર્ટને કહ્યું છે કે પાટેકરની સંડોવણી અંગે કોઈ પુરાવો મળ્યો ન હોવાથી એમની સામેનો કેસ અમે બંધ કરી દેવા માગીએ છીએ. એમની સામે કોર્ટ કાર્યવાહી શરૂ કરી શકાય એવો કોઈ પુરાવો અમને મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે અભિનેત્રી તનુશ્રી દત્તાએ પાટેકર સામે આરોપ મૂક્યો હતો કે 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પાટેકરે એની જાતીય સતામણી કરી હતી.
પાટેકરને ક્લીન ચિટ અપાયાના અહેવાલ અંગે તનુશ્રી દત્તા તરફથી સત્તાવાર રીતે કોઈ પ્રત્યાઘાત જાણવા મળ્યા નથી, પણ એના વકીલનું કહેવું છે કે પાટેકરને ક્લીન ચિટ અપાયાના અહેવાલોને રદિયો આપ્યો છે અને કહ્યું કે આ બધી અફવા છે.
તનુશ્રીએ તેની જાતીય સતામણી કર્યાનો આરોપ પાટેકર ઉપરાંત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે પણ મૂક્યો છે.
તનુશ્રીનો આરોપ છે કે પાટેકર સાથે ઉત્કટ દ્રશ્યોવાળું એક ગીત કરવાની એને પાટેકર અને આચાર્યએ ફરજ પાડી હતી. પોતે એ ગીતમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો અને તેણે એ ફિલ્મ છોડી દીધી હતી. તનુશ્રીએ એવું કારણ આપ્યું હતું કે એવું ગીત એનાં કોન્ટ્રાક્ટનો હિસ્સો નહોતું.
એ ગીતનું શૂટિંગ કરવાની ના પાડીને તનુશ્રી જ્યારે એનાં પરિવારજનોની સાથે સેટ પરથી નીકળી ગઈ ત્યારે સ્ટુડિયોના દરવાજા પાસે જ બહાર એની કારને ઘેરી લેવામાં આવી હતી અને કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
તનુશ્રીએ એની સાથે કરાયેલા એવા અભદ્ર અને હિંસક વર્તાવ વિશે CINTAA સંસ્થામાં ફરિયાદ નોંધાવી હતી, પણ એની પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ તનુશ્રી બોલીવૂડ અને મુંબઈ છોડીને અમેરિકા જતી રહી હતી. બાદમાં ગયા વર્ષે એણે ભારત પાછી ફરીને આ કેસ ઉઠાવ્યો હતો અને તેને પગલે ‘મી ટુ ઈન્ડિયા’ આંદોલન શરૂ થયું હતું.
ન તો આંચકો લાગ્યો છે કે ન તો આશ્ચર્ય થયું છેઃ તનુશ્રી
દરમિયાન, તનુશ્રીએ તેનાં પ્રત્યાઘાતમાં જણાવ્યું છે કે ભારતમાંની મહિલા હોવાને નાતે આ સમાચાર જાણીને મને ન તો આંચકો લાગ્યો છે કે ન તો આશ્ચર્ય થયું છે. આપણે આ બધાથી ટેવાઈ ગયા છીએ.
તનુશ્રીએ કહ્યું કે, મારા તમામ સાક્ષીઓએ હજી એમની જુબાની રેકોર્ડ કરાવી નથી ત્યારે પોલીસે B-રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની ઉતાવળ કરવાની શું જરૂર હતી?
‘જો બળાત્કારના આરોપી આલોક નાથને ક્લીન ચિટ મળતી હોય અને એ ફિલ્મોમાં ફરી કામ કરવા લાગી ગયા છે ત્યારે સતામણી જેવા ગુનાનાં આરોપી નાના પાટેકરને માટે છટકી જવું જરાય મુશ્કેલ ક્યાંથી હોય. આપણે એમ પણ કહી શકીએ કે નિઃસહાય યુવતીઓને હેરાન કરવાનું ચાલુ રાખવા માટે એણે ક્લીન ચિટ ખરીદી લીધી હોય,’ એમ તનુશ્રીએ વધુમાં કહ્યું છે.