મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ અને ‘વ્યાપન પર્વ’ – ફાર્બસ ગુજરાતી સભાના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વની નવલકથાનો રસાસ્વાદ’ શીર્ષક હેઠળ વિશ્વની ત્રણ ક્લાસિક નવલકથાઓનું રસદર્શન કરાવવાના કાર્યક્રમનું આયોજન થયું છે.
આ કાર્યક્રમ ૩૦ ડિસેમ્બરે શનિવારે સાંજે ૫થી ૭માં KES ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇરાની વાડી-નં ૪, એશિયન બેકરીની સામેની ગલીમાં, કાંદિવલી-વેસ્ટમાં યોજાશે. જેમાં જર્મન લેખક હરમાન હેસની ‘સિદ્ધાર્થ’ નવલકથાનો પરિચય અને રસાસ્વાદ સુવિખ્યાત અને વરિષ્ઠ નાટય કલાકાર ઉત્કર્ષ મુઝુમદાર કરાવશે.
અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા ‘ઓલ્ડ મેન એન્ડ સી’નો રસાસ્વાદ ડો. સેજલ શાહ કરાવશે અને ફ્રાન્સના લેખક વિક્ટર હ્યુગોની ‘લે મિઝરાબ્લે’ નવલકથાનું પઠન અને આચમન રંગભૂમિના જાણીતા કલાકારો મનોજ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, ચિરાગ વોરા, દિશા સાવલા, સેજલ આહિર અને પિન્કેશ પ્રજાપતિ પ્રસ્તુત કરશે.
આ કાર્યક્રમમાં વિશ્વ સાહિત્યનો રસપ્રદ પરિચય ભાવકોને કરાવાશે, જે નવલકથાના સાહિત્યિક રસાસ્વાદનો અનોખો અને વિશિષ્ટ કાર્યક્રમ બની રહેશે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ ના અધ્યક્ષ દિનકર જોશી અને ફાર્બસ ગુજરાતી સભા સામયિકના સંપાદક અને ગુજરાતી ભાષાના કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર ગુજરાતી ભાષા અને સાહિત્યનો સઘન પરિચય વ્યાપક વર્ગ સુધી નિયમિત પહોંચતો રહે તે માટે સતત કાર્યરત હોય છે. ડો. દિનકર જોશી પણ આ પ્રસંગે હાજર રહેશે. આ કાર્યક્રમનું સંચાલન કીર્તિભાઈ શાહ કરશે. આ કાર્યક્રમ માણવા રસિકજનોને જાહેર નિમંત્રણ છે.