મુંબઈઃ ‘’ધ નાઈટિંગલ ઑફ ગુજરાત’ તરીકે ઓળખાતાં કૌમુદીબહેન મુનશી ખરા અર્થમાં કલા ઉપાસક હતાં. એમનો એક ઇન્ટરવ્યુ મેં જોયો એમાં ક્યાંય આપવડાઈ નહોતી. પોતાના કોન્સર્ટ્સની સંખ્યા કે આત્મપ્રશંસાનું નામોનિશાન નહોતું. આજે એમનાં નામનાં ચોકનું અનાવરણ કરતાં મારાં સહિત દરેક પાર્લાનિવાસી ગર્વ અનુભવે છે,” એમ વિધાનસભ્ય પરાગ અલવણીએ ‘સૂરશ્રી કૌમુદી મુનશી ચૉક’નું અનાવરણ કરતાં જણાવ્યું હતું.
ગુજરાતી સુગમ સંગીતનાં ગાયિકા સ્વ. કૌમુદીબહેનનાં ચાહકો, શિષ્યો, મિત્રો, સ્વજનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિતોની હાજરીમાં રવિવાર, ૨૧ નવેમ્બરે ચોકનો અનાવરણવિધિ સંપન્ન થયો હતો. ક્યારેય જોવા ન મળે એટલી મોટી સંખ્યામાં ચાહકો આ પ્રસંગે ઉમટ્યાં હતાં.
પ્રોજેક્ટ મેન્ટર અનીશ મક્વાનીએ જણાવ્યું હતું કે, “જેમને ગુજરાતનાં લતા મંગેશકર કહી શકાય એવાં કૌમુદીબહેનનો આટલો વિશાળ ચાહકવર્ગને જોઈને પ્રસન્નતા અનુભવું છું. અહીંથી પસાર થનાર દરેક કૌમુદી મુનશીને, એમનાં સંગીતને સદાય યાદ કરશે.”
કૌમુદી મુનશીનાં સંગીતકાર પુત્ર ઉદય મઝુમદાર તથા કલાકાર મીનળ પટેલે એમની સાથેનાં સંભારણાં વ્યક્ત કર્યાં હતાં. ઉદઘોષક હરીશ ભીમાણી, ‘ચિત્રલેખા’ના ચૅરમૅન મૌલિક કોટક, અમદાવાદનાં આરજે દેવકી, હીરેન પટેલ અને આરજે ધ્વનિત, ફિલ્મદિગ્દર્શક અભિષેક જૈન, લેખક જય વસાવડા, અભિનેતાઓ દર્શન જરીવાલા, સંજય ગોરડિયા, સંગીત ક્ષેત્રના રજત ધોળકિયા, રવીન્દ્ર સાઠે સહિત વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બન્યાં હતાં. આયોજકો નેહા યાજ્ઞિક તથા સુરેશ જોશીએ સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો તેમ જ ટૂંક સમયમાં સંગીતકાર ‘નિનુ મઝુમદાર ચોક’ના નિર્માણની જાહેરાત કરી હતી.