મુંબઈ – ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધોમાં ભલે કડવાશ આવી ગઈ છે, તેમ છતાં શિવસેનાએ નક્કી કર્યું છે કે તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી) દ્વારા કેન્દ્રની એનડીએ સરકાર વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને પોતે ટેકો નહીં આપે.
શિવસેનાએ તેના સંસદસભ્યો જોગ વ્હીપ ઈસ્યૂ કર્યો છે કે આવતીકાલે, શુક્રવારે મોદી સરકાર વિરુદ્ધના અવિશ્વાસના પ્રસ્તાવ પરના મતદાન વખતે ફરજિયાત હાજર રહેવું.
લોકસભામાં શિવસેનાના 18 સભ્યો છે.
આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ જતાં તેલુગુ દેસમ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
અવિશ્વાસના પ્રસ્તાવ વખતે મોદી સરકારને સમર્થન આપવું કે નહીં એનો નિર્ણય શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે લેશે એવું શિવસેનાનાં સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે ભાજપના મિત્રપક્ષ શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો અને અવિશ્વાસના પ્રસ્તાવ પરના મતદાન વખતે મોદી સરકારનું સમર્થન કરવાની વિનંતી કરી હતી. ઉદ્ધવે બાદમાં નિર્ણય લીધો હતો અને એની જાણ પોતાની પાર્ટીના કરી હોવાનું કહેવાય છે.
ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ચાર વર્ષ પહેલાં સત્તા પર આવી તે પછી આ પહેલી જ વાર એની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને ભાજપના ભૂતપૂર્વ મિત્ર પક્ષ ટીડીપીએ રજૂ કરેલો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.
લોકસભામાં હાલ 535 સભ્યો છે. એમાં એનડીએના 313 સભ્યો છે. આમાં ભાજપનો હિસ્સો 274 સભ્યોનો છે. ફ્લોર ટેસ્ટમાં સફળ થવા માટે 268 બેઠકો જોઈએ. આમ, એનડીએ પાસે એના કરતાં ઘણી વધારે બેઠકો છે.