દૂધની હડતાળનો અંત, દૂધ સપ્લાય ફરી રાબેતા મુજબ થઈ; મહારાષ્ટ્રવાસીઓને હાશ થઈ…

મુંબઈ – દૂધ ઉત્પાદક કિસાનોને સરકાર તરફથી પ્રતિ લીટર 8 રૂપિયાની સબ્સિડી સાથે પ્રતિ લીટર રૂ. 25નો ભાવ મળશે એવી મહારાષ્ટ્રના ડેરી વિકાસ ખાતાના પ્રધાન મહાદેવ જનકરે જાહેરાત કર્યા બાદ ગયા સોમવારથી રાજ્યભરમાં દૂધ-દર આંદોલન શરૂ કરનાર સ્વાભિમાની શેતકરી સંઘટનાએ હડતાળનો અંત લાવી દીધો છે અને આજથી મુંબઈ સહિત રાજ્યભરમાં દૂધની સપ્લાય ફરી રાબેતા મુજબની થઈ ગઈ છે. હડતાળનો અંત લાવી દીધાની દૂધ ઉત્પાદક કિસાનોએ ગઈ કાલે મોડી રાતે જાહેરાત કરી હતી. દૂધ ઉત્પાદકોને અત્યાર સુધી પ્રતિ લીટર 17 રૂપિયાનો ભાવ મળતો હતો.

દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર 25 રૂપિયા ચૂકવવાના નિર્ણયનો અમલ 21 જુલાઈથી કરાશે.

રાજૂ શેટ્ટીની આગેવાની હેઠળના દૂધ ઉત્પાદક કિસાનોએ સરકાર તરફથી પ્રતિ લીટર અપાતી સબ્સિડીમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે એવી માગણી કરી હતી, પણ સરકારે આઠ રૂપિયા વધારી આપ્યા છે.

સરકાર દ્વારા જાહેરાતને પગલે સ્વાભિમાની શેતકરી સંઘટનાના પ્રમુખ અને સંસદસભ્ય રાજૂ શેટ્ટીએ જાહેરાત કરી હતી કે શુક્રવાર સવારથી રાજ્યભરમાં દૂધ સપ્લાય રાબેતા મુજબની થઈ જશે.

દૂધ આંદોલનને કારણે મુંબઈ સહિતના શહેરી વિસ્તારોમાં દૂધની તંગી ઊભી થઈ હતી. હડતાળનો અંત આવી જતાં મુંબઈગરાં સહિત રાજ્યભરના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સરકારના નિર્ણયથી રાજ્યના આશરે 55 લાખ દૂધ ઉત્પાદક કિસાનોને ફાયદો થશે. નવો ખરીદી ભાવ નક્કી થવાથી રાજ્ય સરકારની તિજોરી પર દર મહિને રૂ. 75 કરોડનો બોજો આવશે.

મહારાષ્ટ્રમાં દરરોજ 1.30 કરોડ લીટર દૂધ પીવાય છે.