મુંબઈ – મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના સાઈબાબા મંદિર સંસ્થાના વડા વિરુદ્ધ એક મહિલાએ વિનયભંગની ફરિયાદ કરી છે.
સાઈબાબા મંદિરની સંચાલક સંસ્થા શિર્ડી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ (SSST)ના વડા રાજેન્દ્ર જગતાપ સામે શિર્ડી પોલીસે ફરિયાદ નોંધી છે.
શિર્ડી પોલીસે જગતાપ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે
અહેવાલ અનુસાર, કોંગ્રેસ પાર્ટીનાં એક મહિલા હોદ્દેદારે સાઈ મંદિરમાં ગયા ગુરુવારે રાતે દર્શન કરતી વખતે પોતાનો વિનયભંગ કરાયો હોવાનો આરોપ મૂક્યો છે. પોલીસે જગતાપ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે તેથી જગતાપને પદ પરથી હટાવી દેવાની હિલચાલ શરૂ થઈ છે.
ફરિયાદી શિર્ડી યાત્રાધામ નજીકના વાવલેમલા ગામની રહેવાસી છે
બનાવની વિગત એવી છે કે એક મહિલા કોંગ્રેસી કાર્યકર્તાએ એવો આક્ષેપ કર્યો છે કે મંદિરમાં દર્શન કરતી વેળા ધક્કામુક્કી કરી એમનો વિનયભંગ કરવામાં આવ્યો હતો.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાજેન્દ્ર જગતાપે મંદિરમાં સાઈબાબાની સમાધિ નજીક પોતાનો હાથ જોરથી પકડીને શરમજનક વ્યવહાર કર્યો હતો. પોતે એનો વિરોધ કર્યો તો જગતાપે હવે પછી મંદિર પરિસરમાં પગ ન મૂકવાની ચેતવણી આપી હતી.
સાઈ સંસ્થાનના ચેરમેન ડો. સુરેશ હાવરેએ આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે
આ ઘટના બાદ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાઈ સંસ્થાનના મુખ્ય કાર્યાલય ખાતે મોરચો પણ લઈ ગયા હતા અને જગતાપની ધરપકડ કરી એમને પદ પરથી સસ્પેન્ડ કરવાની માગણી કરતું આવેદનપત્ર સંસ્થાનના સંચાલકોને આપ્યું હતું.
ધક્કામુક્કી કરી મહિલા ભક્તનો વિનયભંગ કરાયાનો આરોપ
દરમિયાન, રાજેન્દ્ર જગતાપ ધરપકડના ડરથી ફરાર થઈ ગયા હોવાનું મનાય છે.
સાઈ સંસ્થાનના ચેરમેન ડો. સુરેશ હાવરેએ આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. દેખીતી રીતે જ જગતાપ પાસેથી મંદિર પ્રમુખ પદનો હોદ્દો પાછો લઈ લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શિર્ડી મંદિર પરિસરમાં તેમજ આસપાસની જગ્યા પર અનેક ઠેકાણે સીસીટીવી દ્વારા લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સમાધિ સ્થળની આસપાસ પણ ડઝન જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે.