અભિનેત્રી નફીસા અલીને ત્રીજા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન

મુંબઈ – પીઢ અભિનેત્રી અને સમાજસેવિકા નફીસા અલી સોઢીને કેન્સર હોવાનું નિદાન થયું છે. એમનું કેન્સર ત્રીજા સ્ટેજનું છે.
નફીસા અલીએ પોતે જ ઈન્સ્ટાગ્રામ પર આની જાણકારી આપી છે.
નફીસાએ આ જાણકારી આપવા સાથે એમનાં ખાસ સહેલી અને કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સાથેની એમની એક તસવીર પણ પોસ્ટ કરી છે.
એ તસવીરની કેપ્શનમાં નફીસાએ લખ્યુંં છેઃ ‘હાલમાં જ મારાં ઉત્તમ મિત્રને મળી હતી, એમણે મને હાલમાં જ નિદાન થયેલા સ્ટેજ-3 કેન્સરમાંથી સાજાં થઈ જવાની શુભેચ્છા આપી છે.’
કેન્સરનો ભોગ બનેલાં નફીસા અલી બોલીવૂડનાં ત્રીજાં સેલિબ્રિટી વ્યક્તિ છે. આ પહેલાં ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રેને કેન્સર થયાનું નિદાન થયું છે.

નફીસા અલી પશ્ચિમ બંગાળનાં વતની છે. એમણે ‘જૂનુન’, ‘મેજર સાબ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘યમલા પગલા દીવાના’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. હાલમાં જ તેઓ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3’ ફિલ્મમાં પણ જોવા મળ્યાં હતાં.

2007માં એમણે મલયાલમ ફિલ્મ ‘બિગ બી’માં કામ કર્યું હતું.

નફીસા અલી અર્જુન એવોર્ડવિજેતા કર્નલ આર.એસ. સોઢીને પરણ્યાં છે. દંપતીને બે પુત્રી અરમાના અને પિયા અને એક પુત્ર અજિત છે.

નફીસા અલીએ ભૂતકાળમાં રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. એમણે 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી લખનઉમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી, પણ આ વર્ષનાં નવેમ્બરમાં એ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતાં.

નફીસા 1972-1974 સુધી રાષ્ટ્રી સ્વિમિંગ ચેમ્પિયન હતાં. 1976માં તેઓ મિસ ઈન્ડિયા બન્યાં હતાં અને મિસ ઈન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનધિત્વ કર્યું હતું અને સેકન્ડ રનર-અપ બન્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]