મની લોન્ડરિંગ કેસમાં શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની પૂછપરછ કરાશે

મુંબઈ – મૃત્યુ પામેલા ગેંગસ્ટર ઈકબાલ મિર્ચી તથા અન્યો સામે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આદરેલી તપાસના સંબંધમાં એજન્સીએ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને સમન્સ મોકલ્યું છે.

નોટિસમાં કુન્દ્રાને જણાવાયું છે કે એમણે પૂછપરછ માટે 4 નવેંબરે કેસના તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવું અને ત્યારે એમનું નિવેદન રેકોર્ડ પણ કરવામાં આવશે.

આ કાર્યવાહી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે.

કુન્દ્રાએ રણજીત બિન્દ્રા અને બેશિયન હોસ્પિટાલિટી નામની એક કંપની સાથે કથિતપણે કરેલા સોદાઓમાં ઈડી એજન્સી તપાસ કરી રહી છે.

બંને વચ્ચે કરાયેલા અમુક બિઝનેસ સોદાઓ વિશે ઈડી એજન્સીને વિગતો જોઈએ છે અને માટે જ કુન્દ્રાને પૂછપરછ માટે હાજર થવા સમન્સ મોકલ્યું છે.

ઈડી એજન્સીએ રણજીત બિન્દ્રાની તો અમુક સમય પહેલાં ધરપકડ કરી જ છે.

બિન્દ્રા સાથેના સોદાઓમાં પોતે કંઈ ગેરકાયદેસર કામ કર્યું નથી એવું કુન્દ્રા અગાઉ જણાવી ચૂક્યા છે.

ઈકબાલ મિર્ચી 2013માં લંડનમાં મૃત્યુ પામ્યો હતો. એ ગ્લોબલ ત્રાસવાદી દાઉદ ઈબ્રાહિમનો જમણા હાથ સમાન હતો અને કેફી દ્રવ્યોની હેરાફેરી તથા ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલો હતો.

ઈડી એજન્સીએ મિર્ચી, એના પરિવાર તથા અન્યો સામે પણ મની લોન્ડરિંગ ગુનાને લગતો એક ક્રિમિનલ કેસ નોંધ્યો છે. મુંબઈમાં મોંઘી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઓની ખરીદી અને વેચાણમાં કથિતપણે ગેરકાયદેસર સોદાઓ કર્યા હોવાનો એમની પર આરોપ છે.

મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરને આધારે મની લોન્ડરિંગ (PMLA) કેસ નોંધાયો છે. એને પગલે ઈડી એજન્સીના અધિકારીઓએ કેસના સંબંધમાં ગયા અમુક મહિનાઓમાં અનેક દરોડા પાડ્યા હતા.