મહારાષ્ટ્રમાં મામલો બિચક્યો: ફડણવીસે 50:50 ફોર્મ્યુલાના દાવાને લાત મારી

મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે સત્તામાં ભાગીદાર રહેલા શિવસેના પક્ષના એ દાવાને આજે ગત્ સરકારના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ફગાવી દીધો છે કે રાજ્યમાં મુખ્ય પ્રધાન પદની 50:50ના ધોરણે વહેંચણી કરવા વિશે બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ છે.

ફડણવીસે આજે અમુક પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સત્તાની સમાન રીતે વહેંચણી કરવાની ફોર્મ્યુલાની શિવસેના જે વાતો કરે છે એ માટે ભાજપ ક્યારેય સહમત થયો નથી.

ફડણવીસે કહ્યું કે આ વર્ષના આરંભમાં જ્યારે બંને પક્ષ વચ્ચે વાટાઘાટ થઈ હતી ત્યારે શિવસેનાએ 50:50વાળી ફોર્મ્યુલાનું સૂચન જરૂર કર્યું હતું, પરંતુ ભાજપે તેનો સ્વીકાર કર્યો નહોતો.

‘અમારા પક્ષના પ્રમુખ (અમિત શાહ)એ પણ સમર્થન આપ્યું છે કે મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર ચલાવવા માટે મુખ્ય પ્રધાન પદની શિવસેના સાથે વહેંચણી કરવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવી કોઈ ફોર્મ્યુલા હજી નક્કી કરાઈ નથી. શિવસેનાની માગણીઓ પર મેરિટના આધારે વિચાર કરવામાં આવી રહ્યો છે. અમારી પાસે કોઈ પ્લાન ‘એ’ કે ‘બી’ નથી. એટલું નક્કી છે કે મુખ્ય પ્રધાન તો હું જ બનીશ. અમને 10 અપક્ષ વિધાનસભ્યોનો ટેકો છે. એ સંખ્યા ટૂંક સમયમાં જ 15 પર પહોંચી જશે,’ એમ ફડણવીસે વધુમાં કહ્યું છે.

મહારાષ્ટ્રમાં હાલમાં જ યોજાઈ ગયેલી 288-બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે 105 સીટ જીત્યો છે, પણ સ્વબળે સરકાર રચવા માટે એને 40 સીટ ઓછી પડે છે. એના ભાગીદાર શિવસેના પક્ષને 56 સીટ મળી છે. આમ, બંનેને સાથે મળીને બહુમતી જરૂર મળી છે, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે બંને વચ્ચે ઝઘડો ઊભો થયો છે.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનાએ ભાજપ સાથે બેઠકોની વહેંચણી બાબતે સમજૂતી કરી હતી અને તેના કરતાં ઓછી સીટ પર એણે ચૂંટણી લડી હતી. બદલાયેલા રાજકીય સમીકરણોમાં શિવસેનનાએ ભાજપના જુનિયર ભાગીદાર તરીકેની ભૂમિકા સ્વીકારીને તે નિર્ણય લીધો હતો. પરંતુ હવે એણે આગ્રહ રાખ્યો છે કે ભાજપ 50:50ની ફોર્મ્યુલા લાગુ કરે અને મુખ્ય પ્રધાન પદની તેની સાથે વહેંચણી કરે.

2014ની ચૂંટણીમાં ભાજપે 122 સીટ જીતી હતી. એ વખતે એણે તમામ 260 સીટ પર ચૂંટણી લડી હતી. આ વખતે એણે 164 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થઈ ગયા બાદ 24મીએ પરિણામ પણ આવી ગયું છે. ભાજપ પહેલા સ્થાને છે, શિવસેના બીજા સ્થાને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ 54 સીટ સાથે ત્રીજા નંબરે છે. કોંગ્રેસને ફાળે 42 સીટ આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]