મુંબઈઃ ઝરુખો તથા અન્ય બે સંસ્થા સાથેની સ્વ. નયન દેસાઈની સ્મૃતિસભા પહેલી નવેમ્બરે યોજાશે. કેટલાક નવાં ગઝલકાર કવિ નયનભાઈની પંક્તિ ઉપરથી રચેલી તરહી ગઝલ રજૂ કરશે. કવિ નયન દેસાઈના પરિવારજન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સ્મૃતિસભા પહેલી નવેમ્બર બુધવાર સાંજે ૭.૨૦ વાગ્યે સાંઈબાબા મંદિર, બીજે માળે, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજવામાં આવી છે.
૧૯૭૦ના દાયકામાં ગુજરાતી કાવ્ય ક્ષેત્રે આધુનિક્તાનો દોર ચાલ્યો ત્યારે એ વખતે નવી ભાષા, નવી બાની, નવું કલ્પન લાવનારા જે જૂજ કવિઓ હતા, એમાં નયન દેસાઈ પણ હતા. રત્ન કલાકાર તરીકે શરૂઆતનાં વર્ષોમાં કામ કરનાર નયન હ .દેસાઈ પર સરસ્વતી દેવી રીઝ્યાં હતાં . ૧૯૭૯માં એમણે” માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ” કાવ્ય સંગ્રહ આપ્યો અને ૧૯૮૨માં કાવ્ય સંગ્રહ આપ્યો ” મુકામ પોસ્ટ માણસ”. ૧૯૮૪માં સંગ્રહ આપ્યો “આંગળી વાઢીને અક્ષર મોકલું”.
સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને અડધા હાથે લકવો નયનભાઈ અડધા હાથે ઝણઝણ જોને
એમણે ઉર્દૂમાં સંગ્રહ આપ્યો- “ધૂપ કા સાયા” અને એમની સમગ્ર કવિતાનો સંગ્રહ આવ્યો “નયનનાં મોતી”- વર્ષ ૨૦૦૫માં. નયનભાઈએ ગીત અને ગઝલમાં સફળ અને યાદગાર પ્રયોગો કર્યાં. યુવા કવિઓને એમનું માર્ગદર્શન મળતું રહેતું હતું. કવિ નયન દેસાઈના સર્જન દ્વારા એમની સ્મૃતિવંદના કરવાનો ઉપક્રમ “ઝરુખો” તથા “આપણું આંગણું” અને “વર્ષા આર્ટસ” દ્વારા સંયુક્ત રીતે યોજાયો છે, જેમાં કવિ સંદીપ ભાટિયા, મુકેશ જોશી, દિલીપ રાવલ, હિતેન આનંદપરા, સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા અને સતીશ વ્યાસ વગેરે. કવિઓ નયન દેસાઈની વિવિધ રચનાઓ તથા એમની સાથેનાં સંસ્મરણ રજૂ કરશે. કલાકાર નીતિન દેસાઈ કવિ નયનભાઈના બાળકાવ્યો, મંજુકાવ્યો તથા અન્ય રચના આધારિત એકોક્તિ રજૂ કરશે.