મુંબઈ – આવકવેરા વિભાગે કહ્યું છે કે 21 ઓક્ટોબરે નિર્ધારિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા અમલમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં તેણે મુંબઈ શહેરમાં જોરદાર રીતે સપાટો બોલાવ્યો છે અને 15 કરોડ 50 લાખ રૂપિયા જેટલી ગેરકાયદેસર રોકડ રકમ જપ્ત કરી છે.
ચૂંટણીપ્રચારનો 19 ઓક્ટોબરે અંત આવશે. પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
આવકવેરા વિભાગે કહ્યું છે કે ચૂંટણી ઉમેદવારો મતદારોને ગેરકાયદેસર રીતે આપવા માટેની બિનહિસાબી રોકડ રકમ કે કિંમતી ચીજવસ્તુઓની હિલચાલ પર એ ચાંપતી નજર રાખે છે.
આ માટે વિભાગે ક્વિક રીસ્પોન્સ ટીમોમાં સભ્યોની સંખ્યા વધારીને ટૂકડીઓની તાકાત વધારી છે. ચૂંટણી મતદારોને કોઈ પણ પ્રકારની લાલચથી મુક્ત રહે એ માટે તે પૂરી તકેદારી લઈ રહ્યો છે.
વિભાગે એમ પણ કહ્યું કે પોલીસ, જાહેર જનતામાંથી કે અન્ય સ્રોત તરફથી કોઈ ફોન આવે કે જાણ કરવામાં આવે તો એના અધિકારીઓ તરત જ પગલાં લે છે અને ગુપ્તચર વિભાગ તરફથી વિશ્વસનીયતાની ચકાસણી કર્યા બાદ એ દૈનિક ધોરણે દરોડા પણ પાડે છે.