સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા (ગુરમીત સિંહ) શિવસેનામાં જોડાયો

મુંબઈ – મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાન છે ત્યારે બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો અંગરક્ષક શેરા રાજકારણમાં જોડાયો છે અને શિવસેના પાર્ટીમાં સામેલ થયો છે.

શેરા, જેનું ખરું નામ ગુરમીત સિંહ છે, એ ગઈ કાલે રાતે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેની હાજરીમાં મુંબઈમાં બાન્દ્રાસ્થિત ઠાકરે પરિવારના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે શિવસેનામાં જોડાયો હતો.

શિવસેના પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પર આની સત્તાવાર રીતે જાહેરાત કરી છે.

શેરા ઘણા લાંબા સમય સુધી સલમાન ખાનનો બોડીગાર્ડ રહ્યો છે અને એનો અત્યંત વિશ્વાસુ સાથી છે.

આદિત્ય ઠાકરેએ એને હાથ પર શિવબંધન બાંધીને અને તલવાર આપીને શિવસેના પાર્ટીમાં સામેલ કર્યો હતો.

હવે શેરાને શિવસેનનામાં કયું પદ આપવામાં આવશે એ તો સમય આવ્યે જ ખબર પડશે.

મહારાષ્ટ્રમાં 288-સીટવાળી વિધાનસભાની ચૂંટણી માટે 21મી ઓક્ટોબરના સોમવારે મતદાન છે અને 24 ઓક્ટોબરે પરિણામની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં હાલ ભાજપ-શિવસેના યુતિનું શાસન છે. એની વિરુદ્ધમાં કોંગ્રેસ-એનસીપી જોડાણ છે.

આ પહેલો જ પ્રસંગ છે કે ઠાકરે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી લડી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના મોટા પુત્ર આદિત્ય મુંબઈમાં વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.