મુંબઈઃ અહીંના નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર જ્ઞાનદેવ વાનખેડે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યા છે. કૌભાંડકારે એમના રૂ. 31,000 ચોરી લીધા. જ્ઞાનદેવ વાનખેડે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રેવેન્યૂ સર્વિસ ઓફિસર સમીર વાનખેડેના પિતા છે. ગઈ કાલે જ્ઞાનદેવે ઓનલાઈન દ્વારા ડ્રાયફ્રૂટ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સાઈબર ઠગ લોકોએ એમના રૂ. 31,019 ચોરી લીધા હતા.
70 વર્ષના જ્ઞાનદેવ વાનખેડે અંધેરી વેસ્ટમાં રહે છે. એમણે આ વિશે તેમની નજીકના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફેસબુક પર દર્શાવેલી ડ્રાયફ્રૂટની એક જાહેરખબરથી પ્રેરિત થઈને ડ્રાયફ્રૂટ ખરીદવાનું નક્કી કર્યું હતું. જાહેરખબરમાં વેચાણકાર અજિત બોરાનો મોબાઈલ નંબર અને નવી મુંબઈના તુર્ભેમાં એમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. વાનખેડેએ રૂ. 2,000ની કિંમતના બદામ, પિસ્તા, અખરોટ જેવા ડ્રાયફ્રૂટનો ઓર્ડર આપ્યો હતો. અમુક કલાકો બાદ, એમને એક અન્ય મોબાઈલ નંબર પરથી ફોન કોલ આવ્યો હતો. એમને જણાવાયું હતું કે એમનું પાર્સલ રેડી છે, પણ જીએસટીને કારણે બ્લોક થયેલું છે. તેથી ડિલિવરી માટે થોડોક વધારે સમય લાગશે. થોડીક વાર રાહ જોયા બાદ વાનખેડેએ બોરાને ફોન કર્યો હતો અને પોતાનો ઓર્ડર રદ કર્યો હતો અને એમના પૈસાનું રીફંડ કરવાની વિનંતી કરી હતી. બોરાએ વાનખેડેને કહ્યું હતું તેઓ ગૂગલ પે પર એમના કોડ આપે. વાનખેડે તે આપ્યા હતા. અમુક જ મિનિટોમાં એમને નોટિફિકેશન આવ્યા હતા કે એમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 22,000 અને રૂ. 4,999 ડેબિટ થઈ ગયા છે. ત્યારબાદ એમને એવા વધારે નોટિફિકેશન પણ મળ્યા હતા.
પોતાની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડ્યા બાદ જ્ઞાનદેવ વાનખેડેએ પોલીસ સ્ટેશનમાં જઈને બોરા સામે ફરિયાદ નોંધાવી હતી.
