કોલકાતા/મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)ને બદલે બેલટ પેપર્સ દ્વારા યોજવામાં આવે એવા પોતે લીધેલા વલણને ટેકો આપવાની બેનરજીને વિનંતી કરી હતી. ઈવીએમના વિરોધમાં એમએનએસ પાર્ટી મુંબઈમાં આવતી 21 ઓગસ્ટે રેલી યોજવાની છે અને તે રેલીમાં સામેલ થવાનું ઠાકરેએ બેનરજીને આમંત્રણ પણ આપ્યું હતું.
ઈવીએમના વિરોધ સાથે રાજ ઠાકરેએ નારો અપનાવ્યો છે ‘લોકશાહી બચાવો’.
બેનરજીને મળ્યા બાદ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે અમારી માગણી છે કે ચૂંટણી પંચે ફરી બેલટ પેપર્સ પર આવી જવું જોઈએ અને એના દ્વારા જ મહારાષ્ટ્રની ચૂંટણી યોજવી જોઈએ.
ઠાકરેએ કહ્યું કે અમારું વલણ મોદી-વિરોધી નથી, પણ ઈવીએમ-વિરોધી છે. હું દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયાજીને પણ મળ્યો હતો અને આગામી દિવસોમાં હજી વધુ નેતાઓને મળીશ. ‘લોકશાહી બચાવો’ રેલી અમે 21 ઓગસ્ટે મુંબઈમાં કાઢવાના છીએ.
ઠાકરેએ કહ્યું કે મમતા બેનરજી પણ બેલટ પેપર્સ પ્રથા માટે લડત ચલાવી રહ્યાં છે અને એમણે મારી અને અમારી લડતને એમનું સમર્થન આપ્યું છે. દુનિયામાં ઘણા દેશોમાં ઈવીએમ મશીનોને નકારી કાઢવામાં આવ્યા છે ત્યારે ભારતમાં શા માટે એનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. અમારી માગણી છે કે ભવિષ્યની ચૂંટણીઓ મતદાનપત્રક દ્વારા યોજાવી જોઈએ. મમતા બેનરજીએ આ જ મુદ્દે ગઈ 21 જુલાઈએ કોલકાતામાં વિશાળ રેલી કાઢી હતી. એટલે જ એમનો ટેકો મેળવવા માટે હું અહીં આવ્યો છું.
ઠાકરેએ કહ્યું કે ભારતમાં ઘણા મતવિસ્તારોમાં ચૂંટણીના મતદાન વખતે ઈવીએમ સિસ્ટમમાં ખામીઓ હોવાની ફરિયાદો કરવામાં આવી છે.
મમતા બેનરજી તો તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએની જીત વિરુદ્ધ ઘણું બોલ્યાં છે અને લોકસભા ચૂંટણી પાછળ ઈવીએમની ભૂમિકા વિશે સવાલ ઉઠાવ્યો છે.