મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ મહારાષ્ટ્ર માટે તેના છાયા પ્રધાનમંડળની આજે જાહેરાત કરી છે. એમાં પર્યટન મંત્રાલય પક્ષના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ આઘાડીની સંયુક્ત સરકારમાં પર્યટન મંત્રાલય શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજના ભત્રિજા આદિત્ય ઠાકરેને આપવામાં આવ્યું છે.
અમિત ઠાકરે એમના પિતરાઈ ભાઈ આદિત્યની કામગીરી પર નજર રાખશે અને મહારાષ્ટ્રમાં પર્યટનના વિકાસ માટે નીતિ નક્કી કરશે.
અમિત ઠાકરેને પર્યટન ઉપરાંત કાયદો અને ન્યાય પ્રધાન પણ બનાવવામાં આવ્યા છે.
મનસે પાર્ટી આજે તેનો 14મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ગત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આ પક્ષને માત્ર એક જ બેઠક મળી હતી. મુંબઈની પડોશના કલ્યાણ શહેરની કલ્યાણ ગ્રામીણ બેઠક પરથી પક્ષના પ્રમોદ રતન પાટીલ ચૂંટાઈ આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ અને રાજની રાજકીય હરીફાઈ જાણીતી છે. રાજ અગાઉ શિવસેનામાં હતા અને એક સમયે શિવસેનામાં કદાવર નેતા હતા, પણ રાજકીય મહત્ત્વાકાંક્ષાની ટક્કરને કારણે બંને ભાઈ વચ્ચે મતભેદો ઉભા થયા હતા અને બંનેએ જુદા જુદા રસ્તા પસંદ કર્યા હતા. રાજ ઠાકરે 2008માં પક્ષમાંથી છૂટા થયા હતા અને 9 માર્ચના રોજ પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો હતો – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વવાળી મહારાષ્ટ્ર સરકારની કામગીરી પર નજર રાખવા માટે રાજ ઠાકરેએ છાયા સરકારની રચના કરી છે.
રાજ ઠાકરેએ બનાવેલી શેડો કેબિનેટ એ બ્રિટનના સંસદીય રાજકારણમાં વર્ષો જૂની પરંપરા છે. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પસંદ કરે છે અને એમને ખાતું સોંપે છે. શેડો કેબિનેટમાં પદ હાંસલ કરનાર પ્રધાન પોતાના વિભાગના મુદ્દાઓ અને નીતિઓના મામલે શાસક પક્ષને ઝપટમાં લે છે, એને સવાલો પૂછે છે.