મહારાષ્ટ્રના બંને શહીદ જવાનનાં કુટુંબીજનોને રાજ્ય સરકાર તરફથી રૂ. 50-50 લાખની વચગાળાની રાહત

મુંબઈ – જમ્મુ અને કશ્મીર રાજ્યના પુલવામા જિલ્લામાં ગઈ કાલે કરાયેલા આત્મઘાતી ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોમાં બે જવાન મહારાષ્ટ્રના પણ હતા. આ બંને જવાન બુલઢાણા જિલ્લાના હતા અને એમના પરિવારોને રૂ. 50 લાખની વચગાળાની આર્થિક મદદ કરવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને એમના પરિવારોને સહાયતાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોણાર ગામના નીતિન રાઠોડ અને મલકાપૂર ગામના સંજય રાજપૂત નામના જવાન વીરગતિ પામ્યા છે.

મુખ્ય પ્રધાન ફડણવીસે આજે સાંગલી જિલ્લાના તાસગાવ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ફડણવીસે કહ્યું છે કે ન્યૂ ઈન્ડિયાનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ભારત પૂરી તાકાતથી આ હુમલાનો જવાબ આપશે. આ હુમલાનો બદલો લેવામાં આવશે.

દરમિયાન, મધ્ય મુંબઈના દાદરસ્થિત આવેલા પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટે શહીદ જવાનોનાં પરિવારોને 51 લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત કરી છે.