મુંબઈ – ભારતીય જનતા પાર્ટીનાં ફાયર બ્રાન્ડ મહિલા નેતા તરીકે જાણીતાં થયેલાં અને મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ ગઈ કાલે ફેસબુક પર એક પોસ્ટ લખી હતી એને કારણે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે એ ભાજપથી નારાજ થયાં છે અને કદાચ પાર્ટીને રામરામ કરી દેશે.
હાલમાં જ યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પંકજા મુંડેનો પરાજય થયો હતો. તેઓ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યાં હતાં, પણ એમનો પરાજય થયો હતો. એમની સામે એમનાં પિતરાઈ ભાઈ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડે ઊભા હતા.
પંકજાનાં સગાં બહેન પ્રીતમ મુંડે ભાજપનાં સંસદસભ્ય છે અને બીડમાંથી વિજયી થયાં છે.
પંકજા મુંડે અગાઉ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં પ્રધાન હતાં. હવે ભાજપને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો છે અને શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી છે.
આ અટકળો વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે ગોપીનાથ મુંડેની જન્મતિથિ ઉજવણીમાં ભાજપના અમે તમામ નેતાઓ સામેલ થઈશું. પંકજા મુંડે ભાજપમાં જ છે અને ભાજપમાં જ રહેશે… એ ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષનો વિચાર પણ કરી શકે એમ નથી. પંકજા ભાજપ છોડીને કોઈક અન્ય પક્ષમાં જોડાવાનાં છે એ બધી માત્ર અફવા છે. અમે પંકજાનાં સંપર્કમાં જ છીએ.
પંકજા સ્વ. કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓમાંના એક, ગોપીનાથ મુંડેના પુત્રી છે. 12 ડિસેંબરે ગોપીનાથ મુંડેનો જન્મદિવસ છે. ફેસબુક પોસ્ટમાં લાગણીયુક્ત લખાણમાં એમણે તેમનાં સમર્થકોને ઉદ્દેશીને લખ્યું છે કે લોકનેતા ગોપીનાથ મુંડેના જન્મદિને આપણે મળીશું.
આમ, 12મી ડિસેંબરે પંકજા મુંડે કોઈક રાજકીય ધડાકો કરે એવી ધારણા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પંકજા મુંડે કદાચ ભાજપને છોડી દેશે અને શિવસેનામાં જોડાઈ જશે.
પંકજાએ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પરની બાયોમાંથી ભાજપનું નામ હટાવી દીધું છે. એટલું જ નહીં, એમણે પોતાની રાજકીય સફરનું વર્ણન પણ હટાવી દીધું છે. એને કારણે જ એવી ચર્ચા જામી છે કે એ ભાજપને છોડી દેવાની તૈયારીમાં છે.
પંકજાએ ગઈ 28 નવેંબરે ત્રણ ટ્વીટ કર્યા હતા. એમાં તેમણે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અભિનંદન આપ્યા હતા, પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતની મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર વિશે કંઈ જ લખ્યું નહોતું.
શિવસેનાનાં રાજ્યસભાના સદસ્ય અને અગ્રગણ્ય નેતા સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે ભાજપના અનેક નેતાઓ શિવસેનાનાં સંપર્કમાં છે.