મુંબઈઃ અહીં રહેતા બોલીવુડ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાની પાકિસ્તાની પત્ની મરિયમ ચૌધરી 2020ની સાલથી પાકિસ્તાન એનાં પિયર ચાલી ગઈ છે. પોતાની સાથે બંને સંતાનને પણ લઈ ગઈ છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુશ્તાકનો દાવો છે કે મરિયમે બંને સંતાનને ગોંધી રાખ્યા છે. મુશ્તાકનું કહેવું છે કે 9 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીને પાકિસ્તાનમાંથી પાછાં ભારત લાવવામાં સરકાર પોતાને મદદ કરે એવો કોર્ટ એને આદેશ આપે. કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. સરકારે કહ્યું કે તેણે આ બાબતમાં ઈસ્લામાબાદસ્થિત ભારતીય હાઈકમિશન મારફત પાકિસ્તાન સરકાર પાસેથી વિગતો માગી છે, પણ પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. ભારતે નડિયાદવાલાના બંને સંતાન હાલ ક્યાં છે, એમના વિઝા અને નાગરિકત્વની સ્થિતિ શું છે એ વિશે વિગત મગાવી છે. ભારતે 2022ના ઓક્ટોબર અને 2023ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સરકારને રીમાઈન્ડર મોકલ્યા હતા.
મુશ્તાક મુંબઈના નામાંકિત ફિલ્મ નિર્માતાઓના પરિવારના સભ્ય છે. મુશ્તાક સ્ટુડિયો વનના માલિક છે. આ સ્ટુડિયોએ અત્યાર સુધીમાં અઢીસો જેટલી ફિલ્મો માટે પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ પૂરી પાડી છે. તેની પાસે અવ્વલ દરજ્જાના ટેક્નિશિયનો છે. અનેક નિર્માતા, દિગ્દર્શકો સાથે મુશ્તાક નડિયાદવાલાને નિકટના સંબંધ છે. મુશ્તાકના પિતા અબ્દુલ ગફાર નડિયાદવાલા ‘આ ગલે લગ જા’, ‘લહુ કે દો રંગ’, ‘શંકર શંભૂ’, ‘જુઠા સચ’, ‘સોને પે સુહાગા’, ‘વતન કે રખવાલે’, ‘વેલકમ’, ‘હેરાફેરી’ જેવી 50થી વધારે મસાલા હિન્દી ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. એક સમયે મુંબઈના મલાડ-ગોરેગાંવ (વેસ્ટ) ઉપનગરોમાં નડિયાદવાલા પરિવારોની 5,000 એકરથી વધારે જમીન હતી. એમણે મુંબઈ અને ગુજરાતમાં ફિલ્મ સ્ટુડિયો બાંધ્યા હતા અને ફિલ્મ વિતરણ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું હતું. અન્ય નિર્માતા સાજિદ નડિયાદવાલા મુશ્તાકના પિતરાઈ ભાઈ છે.
મુશ્તાકનો આરોપ છે કે એમના સંતાનને એમની પત્ની મરિયમ ચૌધરી અને એનાં પરિવારે ગેરકાયદેસર રીતે તાબામાં રાખ્યાં છે. મરિયમે ભારત પાછાં ફરવાની ના પાડી દીધી છે અને મુશ્તાકને છોડી દેવા માટે કોઈ ઉચિત કારણ પણ આપ્યું નથી. મુશ્તાક અને મરિયમે 2012ના એપ્રિલમાં પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ મરિયમ ભારત રહેવા આવી હતી અને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી. તે પછી દંપતીને બે સંતાન થયા હતા. 2020ના નવેમ્બરમાં મરિયમ બંને સંતાનને લઈને પાકિસ્તાન જતી રહી હતી. 2021ના ફેબ્રુઆરીએ એણે લાહોરમાં બંને સંતાનનાં વાલીપણા અરજી નોંધાવી હતી અને કોર્ટે તેને કાયદેસર વાલી તરીકે માન્યતા પણ આપી હતી. મુશ્તાકનો આરોપ છે કે પાકિસ્તાનમાં એમનાં સંતાનોની ગેરકાયદેસર જાળવણી બંને દેશના ઈમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન છે.