મુંબઈઃ ગુરુપૂર્ણિમા પર્વ ઉજવવાનું આગવું મહત્ત્વ હોય છે. તાજેતરમાં કાંદિવલીની અગ્રણી શિક્ષણ સંસ્થા કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)માં ગુરુપૂર્ણિમા નિમિત્તે એક અનોખી ઉજવણી થઈ હતી. કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહે શ્રી ટી.પી. ભાટિયા જુનિયર કોલેજ ઓફ સાયન્સના શિક્ષકોને સંબોધન કર્યુ હતું અને શિક્ષણ વિશે શાસ્ત્રો-ઉપનિષદ આધારિત સરસ્વતી સર્જન વિશે પાયાની વાત કરી હતી. આનો ઉમદા ઉદ્દેશ્ય એ હતો કે વિદ્યાર્થીઓને શિક્ષકો પાસેથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થઈ શકે. આ વિદ્યા ખરા અને આદર્શ અર્થમાં ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે શિક્ષકો અને વિધાથીઓ વચ્ચે સંધિ હોય, અંગ્રેજીમાં જેને કનેક્શન કહે છે અને સંસ્કૃતમાં તેને સંધિ કહે છે.
તૈતરીય ઉપનિષદમાં સંધિ ઉપાસના હોવાનું ટાંકીને સંધિનો અર્થ સમજાવતા મહેશભાઈએ કહ્યુ હતું કે, ‘સ્વાગતમ’ શબ્દ એ ‘સુ’ અને ‘આગતમ’ની સંધિ છે. ‘હિમ’ અને ‘આલય’ની સંધિ એ ‘હિમાલય’ છે. સંધિમાં બે અક્ષર હોય છે. જો આ બંને અક્ષર દૂર-દૂર હોય તો સંધિ સંભવ બને નહીં, પણ જ્યારે આ બે અક્ષર જોડાઈ જાય છે ત્યારે સંધિ બને છે. એ જ રીતે શિક્ષણ જગતમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, શિક્ષણનું સ્થાન અને તેનું અંતિમ પરિણામ આ ચારેયનું શ્રેષ્ઠ સંધિ-કનેક્શન બનવું જોઈએ. શિક્ષકોનું પ્રવચન અને વિદ્યાર્થીઓનું મગજ આ બે વચ્ચે સંધિ સ્થાન બને તો સરસ્વતી ઉત્પન્ન થાય છે. શિક્ષક અને વિદ્યાર્થી બે શબ્દ છે, આ બે ની સંધિ થાય ત્યારે સરસ્વતી ઉત્પન્ન થાય. જેનાથી શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષા પ્રાપ્ત થાય છે. આને સંધિ સ્થાન કહેવાય છે. આ સંધિથી શિક્ષકો દ્વારા અપાતી વિદ્યા વિદ્યાર્થીઓના બૌધ્ધિક સ્તર મુજબ વહેંચાય તો તેનું અંતિમ પરિણામ ઉત્તમ રહે છે.’
મૂલ્યો આધારિત શિક્ષણમાં માનતા મહેશભાઈએ માત્ર ૧૦ થી ૧૨ મિનિટના ટૂંકા સમયમાં અને ઓછાં શબ્દોમાં જે સંદેશ આપ્યો હતો તેનો સાર કહેવો હોય તો આ છેઃ શિક્ષકો માટે અભ્યાસ કરાવવાની પ્રક્રિયા એક સાધના છે અને તેમની જોબ એ તેમના વ્યવસાયને સ્થાને પૂજા છે. આમ થાય ત્યારે સરસ્વતીનું સર્જન થાય છે.