મુંબઈઃ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં હાહાકાર મચાવનાર ઝેરી તીડોનું પ્રચંડ ટોળું એકાદ-બે દિવસમાં મુંબઈમાં ત્રાટકવાની તૈયારીમાં છે એવા અહેવાલો હતા, પરંતુ મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલે કહ્યું છે કે હાલમાં તો એવા તીડ નજરે ચડ્યા નથી કે જેનાથી વિમાન સેવાને માઠી અસર પડે. જોકે સત્તાવાળાઓએ તીડોના સંભવિત આક્રમણ ઉપર સતત નજર રાખવાનું કન્ટ્રોલરોને કહી દીધું છે.
મુંબઈ એર ટ્રાફિક કન્ટ્રોલના જનરલ મેનેજર રાજીવ મહેતાએ કહ્યું કે હાલ અમને એરપોર્ટ વિસ્તારમાં તીડના કોઈ ટોળા નજરે ચડ્યા નથી. અમે એવા ટોળા પર સતત નજર રાખવા માટે અમારા કન્ટ્રોલર્સને એલર્ટ કરી દીધા છે. ધારો કે એવા ટોળા નજરે ચડશે કે તરત અમે સાવચેતીના પગલાં લઈશું.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં વિક્રોલી, જૂહુ વિસ્તારોમાં તીડો ઘૂસી આવ્યા હોવાનું દર્શાવતી સમર્થનવિહોણી અમુક વિડિયો ક્લિપ્સ અને તસવીરો આજે સવારથી વોટ્સએપ પર ફરી રહી છે.
રાજીવ મહેતાએ કહ્યું કે તીડોનું નાનું ઝૂંડ કદાચ મુંબઈમાં પ્રવેશી ગયું હશે. વિમાન ઉતરાણ કરતું હોય ત્યારે કે ઉડ્ડયન કરી રહ્યું હોય ત્યારે જો આ તીડો એના માર્ગમાં આવશે તો પણ કોઈ વાંધો નહીં આવે, કારણ કે તેઓ એટલા બધા નાના કદના હોય છે કે એનાથી વિમાનના એન્જિનને કોઈ અવળી અસર ન થાય. પંખીના કદ કરતાં તીડો બહુ જ નાના હોય છે. જો એમનું ટોળું મોટું નહીં હોય તો વિમાન સેવામાં કોઈ તકલીફ નહીં પડે.
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકા તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તીડોનું ટોળું મુંબઈમાં ઘૂસી આવ્યું હોવાની માત્ર અફવા છે. સોશિયલ મિડિયા પર તીડો વિશેની જે તસવીરો ફરે છે એ મુંબઈની નથી.