સુપ્રિયા સુળેની રેલવે સ્ટેશન પર સતામણી કરનાર ટેક્સી ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ એવો આક્ષેપ કર્યો છે કે પોતે ગઈ કાલે, 12 સપ્ટેંબર, શુક્રવારે મુંબઈમાં દાદર રેલવે ટર્મિનસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં ત્યારે એક ટેક્સી ડ્રાઈવરે એમની સાથે ગેરવર્તન કર્યું હતું.

કુલજિતસિંહ મલ્હોત્રા નામનો ટેક્સી ડ્રાઈવર ટ્રેનની અંદર ઘૂસી આવ્યો હતો અને ટેક્સી જોઈએ છે એવું પૂછ્યું હતું. પોતાને કોઈ ટેક્સીની જરૂર નથી એવું સુપ્રિયા સુળેએ સ્પષ્ટપણે કહ્યું હતું તે છતાં એ ટેક્સી ડ્રાઈવરે એમનો માર્ગ રોક્યો હતો, એમની સતામણી કરી હતી અને બેશરમ બનીને ફોટો માટે પોઝ આપવા પણ ઊભો રહી ગયો હતો. સુપ્રિયાએ આ બનાવની જાણ એમના ટ્વિટર હેન્ડલ પર કરી હતી.

સુપ્રિયા સુળે એનસીપીના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના પુત્રી છે.

સુપ્રિયાને એ ટેક્સી ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી હતી માટે એનો ફોટો પાડ્યો હતો.

સુપ્રિયાએ ભારપૂર્વક કહ્યું છે કે ટેક્સી સેવાની દલાલીના કામની પરવાનગી માત્ર નિર્ધારિત ટેક્સી સ્ટેન્ડ્સ ખાતે જ આપવી જોઈએ.

રેલવે પોલીસ ફોર્સના સત્તાવાળાઓએ બાદમાં સુપ્રિયાને જાણ કરી હતી કે એ ટેક્સી ડ્રાઈવરને પકડવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો છે.

એ ટેક્સી ડ્રાઈવરનું નામ કુલજિત સિંહ મલ્હોત્રા છે. એ 42 વર્ષનો છે.

પોલીસે એને ભારતીય રેલવે એક્ટ, 1989ની 3 કલમ હેઠળ પકડ્યો હતો. 145-B કલમ ત્રાસ ફેલાવવા અને અશોભનીય વર્તન કરવા બદલ, 147મી કલમ રેલવે ઈમારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ અને 159મી કલમ બેફામપણું દર્શાવવા અને બેદરકારી બતાવવાને લગતી છે.

મધ્ય રેલવેના મુંબઈ વિભાગના સિનિયર ડિવિઝનલ કમિશનર કે.કે. અશરફે કહ્યું છે કે મલ્હોત્રા પાસે કાયદેસર ટિકિટ નહોતી છતાં એ પ્લેટફોર્મ પર ચડ્યો હતો અને એને રૂ. 260નો દંડ ફટકારવામાં આવ્યો છે.

વધુમાં, એની પાસે લાઈસન્સ ન હોવાથી મુંબઈના ટ્રાફિક પોલીસે એને રૂ. 200નો દંડ ફટકાર્યો છે તથા યુનિફોર્મ પહેર્યા વગર ટેક્સી હંકારવા બદલ એને બીજા રૂ. 200નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, એમ પણ અશરફે કહ્યું.