મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સંયુક્ત સરકારમાં સહભાગી થયેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય રોહિત પવાર રાજ્યના ટ્રાન્સપોર્ટ પ્રધાન અનિલ પરબને મળ્યા હતા અને રજૂઆત કરી હતી કે મુંબઈમાં લોકલ ટ્રેનો હવે બધાય લોકો માટે શરૂ કરો.
રોહિત પવારે પ્રધાનને મળીને કહ્યું કે નવા વર્ષના આરંભે મુંબઈની લોકલ ટ્રેન સેવા સૌને માટે ફરી શરૂ કરી દેવામાં આવશે એવી સામાન્ય લોકોએ આશા રાખી હતી, પરંતુ તે શરૂ ન થતાં હવે એમની ધીરજ ધીરે ધીરે ખૂટી રહી છે. કામ-ધંધા માટે ઘરની બહાર રહેતા લોકોને લોકલ ટ્રેનો હજી બંધ હોવાથી ઘણી તકલીફ થાય છે. એ લોકોની વ્યથાને રોહિત પવારે ટ્રાન્સપોર્ટ પ્રધાન સમક્ષ રજૂ કરી છે. લોકલ ટ્રેનો સૌને માટે શરૂ કરવાની માગણીને રાજ્યના મુખ્ય પ્રધાન મારફત કેન્દ્ર સરકારને મોકલવાની પણ પવારે વિનંતી કરી છે.