મુંબઈમાં ડ્રગ્સના દાણચોરોએ NCBના અધિકારીઓ પર હુમલો કર્યો

મુંબઈઃ નશીલી દવાઓના દાણચોરને ત્યાં દરોડો પાડવા ગયેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓ પર અહીં હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગઈ કાલે સાંજે બની હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એમના સાથીઓ કેરી મેન્ડિસ નામના દાણચોરને પકડવા માટે ગોરેગાંવ ઉપનગરના એક સ્થળે ગયા હતા ત્યારે દાણચોરના 60 જેટલા સાગરિતોના હિંસક ટોળાએ એમની પર હુમલો કર્યો હતો.

એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે

હુમલામાં બે અધિકારીને ગંભીર ઈજા પહોંચી હોવાનો અહેવાલ છે. દાણચોર મેન્ડિસ અને તેના બે હુમલાખોરને પકડી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. એમને એનસીબીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે.

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણ જેવું બહાર આવ્યું છે ત્યારથી અનેક સિતારાઓ સામે કાર્યવાહી સમીર વાનખેડેએ જ હાથ ધરી છે. તેમણે અને એમની ટીમે છેલ્લા એક મહિનામાં ચાર-પાંચ મોટા ડ્રગ પેડલર્સને સકંજામાં લીધા છે. આ પેડલર્સને અંધેરી અને બાન્દ્રા ઉપનગરોમાં પકડવામાં આવ્યા છે. એમની પૂછપરછને પગલે જ એનસીબી અધિકારીઓએ કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ કરી છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી અને એનાં ભાઈ શોવિક ચક્રવર્તીની પણ ધરપકડ કરી હતી. રીયા હાલ જામીન પર છૂટી છે. આ ઉપરાંત એનસીબી અધિકારીઓ બોલીવૂડ અભિનેતા અર્જૂન રામપાલ તથા એની ગર્લફ્રેન્ડ, દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ, દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ, શ્રુતિ મોદી, સિમોન ખંબાટા વગેરે બોલીવૂડ હસ્તીઓની પણ આકરી પૂછપરછ કરી ચૂક્યા છે.