મુંબઈની જથ્થાબંધ-માર્કેટમાં કેરીનો ઢગલો; ભાવ ઘટી ગયા

મુંબઈ/નવી મુંબઈ: પડોશના નવી મુંબઈ શહેરના વાશી ઉપનગરની હોલસેલ માર્કેટમાં કેરીની સપ્લાય વધી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે તાપમાન જે રીતે વધી ગયું છે તેને કારણે કમોસમી વરસાદ પડવાના ડરથી ખેડૂતો ઝાડ પરથી ફળને તોડી રહ્યા છે. એને કારણે માર્કેટમાં સપ્લાય વધી રહી છે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં જ્યાં હાફુસ કેરીની મોટા પાયે ખેતી થાય છે તે દેવગડ ગામ તથા અન્ય કેરી ઉગાડતા સ્થળોનાં ખેડૂતોને ભારે પવન ફૂંકાવાની અને કમોસમી વરસાદ પડવાની સંભાવના જણાય છે. એવી સ્થિતિમાં કેરીના પાકને નુકસાન થાય અને ખેડૂતોને આર્થિક નુકસાન થાય. તેથી તેઓ ઝાડ પરથી પાકી ગયેલી કેરીઓ ઝડપથી તોડવા લાગ્યા છે અને પૂરવઠો-માગના પ્રમાણને ચેક કર્યા વગર કેરીઓ માર્કેટમાં ધડાધડ મોકલવા લાગ્યા છે. આને કારણે જથ્થાબંધ બજારમાં પાકેલી કેરીઓનો ઢગલો થવા માંડ્યો છે. પરિણામે વેપારીઓએ કેરીના ભાવ ઘટાડી દીધા છે. બે કે ચાર ડઝન કેરીના બોક્સની કિંમતમાં રૂ.500નો ઘટાડો કરી દેવાયો છે.

એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ને એપ્રિલના પહેલા પખવાડિયામાં દરરોજ તમામ વેરાયટીની કેરીના આશરે 45 હજારથી-50 હજાર બોક્સ મળતા હતા, પરંતુ હવે રોજના 70 હજાર બોક્સની સપ્લાય કરાય છે.

ગયા ફેબ્રુઆરીમાં જ એપીએમસી બજારમાં સારી ક્વોલિટીની કેરી આવી પહોંચી હતી. એપ્રિલ અને મે હાફૂસ કેરી માટે મુખ્ય મોસમના મહિના ગણાય.