14 જૂને ‘નો હોન્કિંગ ડે’: મુંબઈગરાઓને એ દિવસે કર્કશ અવાજથી મળશે રાહત

મુંબઈઃ મહાનગરના રસ્તાઓ પર ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ આવતા બુધવારે, 14 જૂને ‘નો હોન્કિંગ ડે’ (નો હોર્ન દિવસ) મનાવશે. આ ઝુંબેશનો આખા શહેરમાં અમલ કરવામાં આવશે. મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધની આ ઝુંબેશમાં તેઓ સહભાગી થાય અને જરૂર વગર એમનાં વાહનોના હોર્ન વગાડે નહીં. જરૂર વગર કે કારણ વગર હોર્ન વગાડનાર વાહનચાલક સામે એ દિવસે કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવળે કહ્યું છે કે બુધવારના દિવસે મુંબઈ શહેરના તમામ મુખ્ય જંક્શન પર પોલીસ અધિકારીઓ તૈનાત કરીને હોર્ન વગાડવા સંબંધિત વિશેષ ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમ લાગુ કરવામાં આવશે.

 

મુંબઈમાં જરૂર વગર હોર્ન વગાડવાનું બંધ કરીને ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો કરવાની ઝુંબેશ નિવૃત્ત પોલીસ અધિકારી સંજય પાંડેએ તેઓ જ્યારે શહેરના પોલીસ કમિશનર પદે હતા ત્યારે શરૂ કરી હતી.