મુંબઈઃ ટ્રાફિક પોલીસ તરીકે સેવા બજાવતા જવાનોને બોડી કેમેરાથી સુસજ્જ બનાવવાની મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્રણ વર્ષ પહેલાં જાહેરાત કરી હતી. છેક હવે રાજ્યના પોલીસ વિભાગે જાહેરાત કરી છે કે એના જવાનોને 1,388 બોડી કેમેરા આપવામાં આવશે. આ બોડી કેમેરાનું વિતરણ કરવાનો ઉદ્દેશ્ય પોલીસ જવાનો પર કોઈ હુમલા કરાય ત્યારે અથવા કોઈ તાકીદની પરિસ્થિતિ આવી પડે ત્યારે પુરાવા એકત્ર કરવાનો છે. ઘણી વાર એવું બનતું હોય છે કે દંડ કે શિક્ષાથી છટકવા માટે વાહનચાલકો ટ્રાફિક પોલીસ જવાન અટકાવે ત્યારે એની પર હુમલો કરીને પલાયન થઈ જતા હોય છે.
આ કેમેરા વાઈ-ફાઈ, જીપીએસ અને બ્લુટૂથ ટેક્નોલોજીથી સજ્જ હશે અને વજનમાં હલકા પણ હશે. એને સંભાળવા બહુ આસાન રહેશે અને તેના વડે હાઈ-રિઝોલ્યૂશન તસવીર ખેંચી શકાશે. મુંબઈ શહેરમાં 34 ટ્રાફિક ડિવિઝનો છે અને દરેક ડિવિઝનને ઓછામાં ઓછા 30 બોડી કેમેરા ફાળવવામાં આવશે. જવાનો પર ટ્રાફિકનો બોજો કેટલો છે એના આધારે આ બોડી કેમેરા તેમને વિતરીત કરવામાં આવશે.