મુંબઈ – ત્રીસેક વર્ષની એક મહિલાએ ગઈ કાલે મધરાત બાદના સમયે ખાર (વેસ્ટ) ઉપનગરના લિન્કિંગ રોડ પર પોલીસકર્મીઓ સાથે બેહુદું વર્તન કરતાં પોલીસે એની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એ મહિલા ટીવી અભિનેત્રી અને મોડેલ રુહી સિંહ હોવાનું પોલીસે કહ્યું છે.
બનાવની વિગત એવી છે કે રુહી અને એનાં મિત્રો ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યાના સુમારે બાન્દ્રા ઉપનગરના એક પબમાંથી પાછા ફરતાં હતાં અને એક શૌચાલયમાં જવા માટે રસ્તામાં એક શોપિંગ મોલ પાસે અટક્યાં હતાં. જોકે મોલના સ્ટાફે એમને ટોઈલેટમાં જવાની ના પાડી હતી એટલે એમને તેની સાથે ઝઘડો થયો હતો. મોલના સિક્યૂરિટી ગાર્ડ્સે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી અને ખાર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલો ત્યાં પહોંચ્યાં હતા. એક પોલીસ કોન્સ્ટેબલ એ ઝઘડાનો અંત લાવવા માટે વચ્ચે પડ્યો હતો, પણ રુુહી તથા એનાં બે પુરુષ મિત્રો રાહુલ ગૌર (26) અને સ્વપ્નીલ શ્રીવાસ્તવ (29) પોલીસ સાથે પણ ઝઘડી પડ્યા હતા અને એમને ગાળો દીધી હોવાનું કહેવાય છે.
લક્ષ્મીકાંત શેટ્યે નામના એક કોન્સ્ટેબલે આરોપીનાં ગેરવર્તનને પુરાવો તરીકે બતાવી શકાય એ માટે ઘટનાનો વિડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મહિલાએ કોન્સ્ટેબલના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો. એ પછી એણે કોન્સ્ટેબલને કોલરેથી પકડ્યો હતો અને એને થપ્પડ પણ મારી હોવાનું કહેવાય છે.
તે મહિલાએ કોન્સ્ટેબલના યુનિફોર્મ પર એની નેમપ્લેટ પણ ખેંચી કાઢી હતી અને એને ધક્કા માર્યા હતા. એની સાથે એનાં બંને પુરુષ મિત્રો પણ જોડાયાં હતાં.
ગૌર અને શ્રીવાસ્તવ, બંનેની તો ઘટનાસ્થળે જ ધરપકડ કરાઈ હતી અને રુહી સિંહને બે દિવસમાં શરણે આવી જવાની નોટિસ મોકલવામાં આવી છે. રાતના તે સમયે કોઈ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ન હોવાથી રુહીને પોલીસોએ પકડી નહોતી.
પોલીસનું કહેવું છે કે રુહી દારૂનાં નશામાં હતી અને એ તેની કારને સાંતાક્રૂઝ (વેસ્ટ) તરફ હંકારી ગઈ હતી. એણે પાર્ક કરેલી ઘણી કાર સાથે પોતાની કારને અથડાવી મારી હતી અને અમુક લોકો સાથે એને ઝઘડો પણ થયો હતો.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.