વસઈમાં ગલીકૂચીની ગુંડાગીરીનો અંત લાવીશુંઃ વસઈકરોને ઉદ્ધવ ઠાકરેની ખાતરી

વસઈ (પાલઘર જિલ્લો) – મુંબઈની નજીકમાં આવેલા વસઈ શહેરમાં આજે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.

એમણે લોકોને સંબોધિત કરતા અને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે વસઈવાસીઓ, તમે કોઈના પણ ગુલામ નથી. અમે જો સત્તા પર આવીશું તો તમારી પર જે કોઈની પણ ગુંડાગીરી કરાતી હશે એનો અંત લાવી દઈશું.

ઠાકરેનો ઈશારો દેખીતી રીતે હિતેન્દ્ર ઠાકુરના પક્ષ બહુજન વિકાસ આઘાડી તરફનો હતો.

ઠાકરે આજે એમની પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિતના પ્રચાર માટે પાલઘર મતવિસ્તારમાં આવ્યા હતા. વસઈ શહેરમાં એમણે અનેક ઠેકાણે મતદારો સાથે સંવાદ કર્યો હતો.

ઠાકરેએ વસઈ કિલ્લા ખાતે જઈને નરવીર ચિમાજી અપ્પા સ્મારકનાં દર્શન કર્યા હતા.

ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે અમારા કેટલાક વિરોધીઓએ બે હિન્દુત્ત્વવાદી પાર્ટી (શિવસેના અને ભાજપ) વચ્ચે મતભેદ કરાવી એમાંથી રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અમે બંને પાર્ટીએ સંગઠિત રહીને એ લોકોનો દાવ નિષ્ફળ બનાવ્યો છે.

પાલઘર મતવિસ્તારમાં અગાઉની ચૂંટણીઓમાં શિવસેના અને ભાજપ – અલગ અલગ રીતે પ્રચાર કરતા હતા, પણ આ વખતે બંને પક્ષ સંગઠિત થઈ ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]