ગણેશ વિસર્જનના દિવસે મધરાતે રેલવે તંત્ર દોડાવશે વિશેષ લોકલ ટ્રેનો

મુંબઈઃ આવતા ગુરુવારે, 28 સપ્ટેમ્બરે છે અનંત ચતુર્દશી પર્વ. એ દિવસે મુંબઈમાં વિવિધ સાર્વજનિક મંડળો કે વ્યક્તિગત ઘરોમાં ગણેશોત્સવ નિમિત્તે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. પરંપરાનુસાર, ઘણા લોકો દરિયામાં તો કેટલાક મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરશે. ગણેશ વિસર્જનના દિવસે લોકો મોડી રાત સુધી વાજતેગાજતે, સરઘસાકારે નીકળીને મૂર્તિઓના વિસર્જન સ્થળોએ પહોંચતા હોય છે. એ વિધિઓ મધરાત બાદ અને બીજા દિવસે વહેલી સવાર સુધી ચાલતી હોય છે. તે મધરાતે થનારી ગિરદીને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ બંને વિભાગ પર વિશેષ ટ્રેનો દોડાવવાનું અને ગણેશભક્તોને સુવિધા આપવાની જાહેરાત કરી છે.

મધ્ય રેલવે વિભાગ 10 અને પશ્ચિમ રેલવે એવી 8 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. એ ટ્રેનો તમામ સ્ટેશનો પર ઊભી રહેશે, જેથી કોઈ પણ સ્ટેશનેથી ગણેશભક્તો ટ્રેનમાં ચડીને એમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. પશ્ચિમ રેલવે અપ અને ડાઉન, બંને લાઈન પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે મુખ્ય સ્ટેશનો ખાતેથી વિશેષ ટ્રેન દોડાવશે. એ માટેની જાણકારી બંને રેલવે વિભાગની વેબસાઈટ કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી મળી શકશે.