મુંબઈ – પેટ્રોલ અને ડિઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે તેમજ મુંબઈમાં ચાર ટોલ નાકાઓ ખાતે લેવાતા ટેક્સમાં વધારો થવાથી મુંબઈમાં સ્કૂલ બસોના ભાડા-ચાર્જિસમાં પણ વધારો થવાની સંભાવના છે.
મહારાષ્ટ્ર સરકાર ચાર ટોલનાકા પર સ્કૂલ બસોને સવલત નહીં આપે તો ટોલ ભરવો પડશે અને સ્કૂલ બસોના માલિકો એ ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખશે. એમ થશે તો સ્કૂલ બસના ભાડામાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 560નો વધારો થઈ શકે છે એવો સંકેત સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશન તરફથી આપવામાં આવ્યો છે.
મુંબઈમાં સ્કૂલ બસોને મુલુંડ એલબીએસ માર્ગ, ઐરોલી, દહિસર અને વાશી – એમ ચાર સ્થળના ટોલનાકાઓ પર દરરોજ ત્રણથી ચાર વખત ટોલ ભરવો પડે છે. એને કારણે સ્કૂલ બસના માલિકોને ટોલ ટેક્સના રૂપમાં જ 17,400 રૂપિયાનો ખર્ચ થાય છે. વળી, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે સ્કૂલ બસના માલિકો ભાડામાં વધારો કરવાનું વિચારી રહ્યા છે.
સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ભાડા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. એમની માગણી છે કે રાજ્ય સરકારે સ્કૂલ બસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ.