મુંબઈઃ ગઈ 1 નવેમ્બરે અહીંના અંધેરી (પૂર્વ)ના પવઈ વિસ્તારમાં 20-વર્ષના એક યુવક, પ્રથમનું કમનસીબ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે છોકરાના પિતા અને સાકીનાકા વિસ્તારના રહેવાસી તથા વેપારી સચીન હોવાલ (46)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સગીર વયની એક છોકરીએ એના દીકરા પ્રથમને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો.
પ્રથમ અને એક છોકરી વચ્ચેના પ્રેમસંબંધ વિશે પ્રથમના એક મિત્રએ સચીન હોવાલને જાણ કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ અને તે છોકરી 2022ના જુલાઈથી પ્રેમમાં હતાં. કહેવાય છે કે, છોકરીએ અમુક શોપિંગ માટે પ્રથમ પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા અને ધમકી આપી હતી કે જો તે રૂપિયા નહીં આપે તો પોતે એની સાથેનો સંબંધ તોડી નાખશે. એવું પણ કહેવાય છે કે તે છોકરીએ ગયા જુલાઈ મહિનામાં પ્રથમ સામે એક પોલીસ કેસ પણ નોંધાવ્યો હતો અને એને ધમકી આપી હતી કે જો તે પૈસા નહીં આપે તો પોતે એની સામે એક વધુ પોલીસ કેસ પણ નોંધાવશે.
પ્રથમના મિત્રએ પ્રથમના પિતાને એક ફોન કોલનું રેકોર્ડિંગ આપ્યું છે જેમાં પ્રથમ અને તે છોકરીનાં પિતા વચ્ચે વાતચીત થઈ હતી. એમાં પ્રથમ બોલે છે કે છોકરીએ એને ક્યાંયનો નથી છોડ્યો. પ્રથમના પિતાએ દીકરાના જૂના મોબાઈલ ફોનને ચેક કર્યો હતો ત્યારે એમણે દીકરા અને તે છોકરી વચ્ચેની ચેટ્સ જોવા મળી હતી. એના પરથી એવું માલુમ પડ્યું કે પ્રથમને એવું લાગ્યું હતું કે એ છોકરીએ એને દગો દીધો છે. 2023ની 11 ઓક્ટોબરે પ્રથમે કોઈકને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો, જેમાં લખ્યું હતું, ‘તમને મળીને મેં ભૂલ કરી છે. મારે મરવું નથી. પ્લીઝ મને મારી ન નાખતા.’ પ્રથમ અને તે છોકરી 31 ઓક્ટોબર સુધી રિલેશનશિપમાં હતાં. એ પછી 1 નવેમ્બરે પ્રથમે આત્મહત્યા કરી હતી. સચીન હોવાલે ઈન્ડિયન પીનલ કોડની કલમ 306 હેઠળ (આત્મહત્યા માટે મજબૂર કરવા વિશે) ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.