મુંબઈ – અરબી સમુદ્રમાં સૂચિત છત્રપતિ શિવાજી સ્મારકની સ્થાપના માટે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે એ દરમિયાન આજે એક દુર્ઘટના સર્જાઈ છે. સ્મારક માટે પાયો ભરવાના કામ માટે જઈ રહેલી એક સ્પીડ બોટ સાંજે લગભગ 4.15 વાગ્યાના સુમારે દરિયામાં એક ખડક સાથે અથડાતાં ઊંધી વળી જતાં એક જણનું મરણ નિપજ્યું છે. શિવાજી સ્મારક માટેનું સ્થળ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારથી 2.6 કિ.મી. દૂર પશ્ચિમે દિશાએ આવેલું છે.
દુર્ઘટના સર્જાઈ ત્યારે બોટમાં 25 જણ હતા. 24 જણને બચાવી શકાયા છે, પણ સિદ્ધેશ્વર પવાર નામના એક તરુણનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ દુર્ઘટનાને કારણે પાયા ભરણીનું કામ રદ કરવામાં આવ્યું છે.
આ બોટ મહારાષ્ટ્ર સરકારની હતી.
આ સ્મારક બાંધવા માટે પર્યાવરણ વિભાગે મંજૂરી આપી છે. તેથી આજથી ત્યાં બાંધકામ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી.
આ સ્મારક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું હશે અને તે બાંધવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને આપવામાં આવ્યો છે.
પાયાભરણીના કામના આરંભ માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે માટે રાજ્યના મુખ્ય સચિવ ડી.કે. જૈન, અન્ય સરકારી અધિકારીઓ, પત્રકારો અને પ્રેસ ફોટોગ્રાફરો બપોરે 3 વાગ્યાથી ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેથી રવાના થયા હતા. સ્મારક ખાતે પૂજા વિધિ કાર્યક્રમ માટે રાજ્ય સરકારે બે બોટની વ્યવસ્થા કરી હતી. એક બોટમાં સરકારી અધિકારીઓ હતા અને બીજી બોટમાં 40 પત્રકારો હતા.
નૌકાઓનો કાફલો સ્મારક તરફના સ્થળે આગળ વધી રહ્યો હતો ત્યારે એક સ્પીડ બોટ ખડક સાથે અથડાતાં ઊંધી વળી ગઈ હતી. એ બોટમાં અધિકારી તથા શિવસંગ્રામ સંઘટને સંસ્થાના કાર્યકર્તાઓ હતા.
બચાવ કાર્ય બાદ રાતના સમયે સિદ્ધેશ પવારનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
40 ફૂટ લાંબી બોટ વેસ્ટ કોસ્ટ મરીનની હતી અને એનો કેપ્ટન પ્રોન્ગ્સ લાઈટહાઉસ નજીક ખડક ધરાવતા દરિયાના પાણીમાંથી આગળ વધારી રહ્યો હતો ત્યારે એક ખડક સાથે એ અથડાઈ પડી હતી.
એક પત્રકારે કહ્યું કે શરૂઆતથી જ બોટના કેપ્ટનને કયા સ્થળે જવાનું હતું એની ખબર નહોતી.