મુંબઈઃ મહાનગરમાં અંધારીઆલમના અનેક નામીચા ગૂંડાઓને ખતમ કરીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની નામના હાંસલ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની આજે ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અંબાણી નિવાસસ્થાન ‘એન્ટિલીયા’ નજીક કારમાંથી બોમ્બ મળવાના પ્રકરણ અને પડોશના થાણે શહેરના રહેવાસી મનસુખ હિરણની થયેલી હત્યાના કેસની તપાસના સંબંધમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અમલદારો આજે વહેલી સવારે 6 વાગ્યે શર્માના અંધેરી સ્થિત નિવાસસ્થાને ઝડતી લેવા માટે ઓચિંતા પહોંચી ગયા હતા. ષડયંત્રમાં કથિત ભાગ ભજવવા બદલ તેમજ પુરાવાનો નાશ કરવા બદલ તેમણે શર્માની બાદમાં ધરપકડ કરી હતી. એનઆઈએના અધિકારીઓ આ કેસમાં શર્માની પૂર્વે ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ સચીન વઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનીલ માને, ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગૌરની પણ ધરપકડ કરી ચૂક્યા છે.
પ્રદીપ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના છે. એમના પિતાએ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લામાં સ્થળાંતર કર્યું હતું. પ્રદીપ શર્માનો ઉછેર નાનપણથી જ મહારાષ્ટ્રમાં થયો હતો. એમના પિતા ધૂળે શહેરની એક શાળામાં પ્રિન્સીપાલ બન્યા હતા. પ્રદીપ શર્મા શિક્ષણ મેળવ્યા બાદ એમપીએસસી કરીને પોલીસ સેવામાં જોડાયા હતા. મહારાષ્ટ્રમાં 1983ની પોલીસ બેચ પ્રસિદ્ધ છે. પ્રદીપ શર્મા આ જ બેચના છે. એમની પહેલી નિમણૂક મુંબઈના માહિમ ઉપનગરના પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ ઉપનગરોના પોલીસ સ્ટેશનોના વડા તરીકે, ક્રાઈમ ઈન્ટેલિજન્સમાં વરિષ્ઠ પોલીસ અધિકારી એમ જુદા જુદા પદ પર કામગીરી બજાવી હતી. બાન્દ્રામાં એન્ટી-નાર્કોટિક વિભાગમાં એમને ફરજ પર મૂકાયા હતા ત્યારે જ એમની અન્ડરવર્લ્ડના લોકો સાથે ટક્કર થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગ મળ્યા બાદ શર્માએ અન્ડરવર્લ્ડના ઘણા બદમાશોને એન્કાઉન્ટરમાં ખતમ કર્યા હતા, જેમ કે, પરવેઝ સિદ્દિકી, રફિક ડબ્બાવાલા, સાદિક કાલિયા અને લશ્કર-એ-તૈબાના ત્રણ શકમંદ. પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ શર્મા શિવસેનામાં જોડાયા હતા અને મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરમાંથી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા.