મુંબઈઃ સમગ્ર મહાનગરમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ થયેલા લોકડાઉનને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. નાગરિકો અને તમામ સરકારી તંત્રો કોરોના સંકટ સામે જ ઝઝૂમી રહ્યા છે ત્યારે બસ હવે સંભવિતપણે એક મહિનામાં જ બેસી જનાર ચોમાસાની ઋતુ પૂર્વે મહત્ત્વનાં પગલાં લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
સામાન્ય રીતે, દર વર્ષે ચોમાસાની ઋતુ જૂનની 10મીએ બેસે એના દોઢ બે મહિના પૂર્વે જ મુંબઈમાં નાળા અને ગટરોનું સફાઈકામ શરૂ થઈ જાય જેથી ધોધમાર વરસાદમાં શહેરમાં પાણી ભરાય નહીં. પરંતુ આ વખતે આ સફાઈકામમાં ઘણી ઢીલાશ જોવા મળી રહી છે. આ કામ અત્યંત મંદગતિએ ચાલી રહ્યું છે.
શહેરના પૂર્વ ભાગમાં આવેલી મીઠી નદીને સ્વચ્છ કરવાનું કામ અધૂરું છે. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા સફાઈ કામદારોએ લોકોડાઉનમાં ભૂખમરાથી બચવા માટે એમના વતનની વાટ પકડી લીધી છે. તેથી હવે નાળાઓ સાફ કરવા માટે કામદારો ક્યાંથી લાવવા એ સવાલ મુંબઈ મહાનગરપાલિકાના સત્તાવાળાઓને સતાવે છે.
વર્ષ દરમિયાન મીઠી નદીમાં જમા થયેલો કચરો સાફ કરવાનું કામ અત્યાર સુધીમાં માત્ર 29 ટકા જેટલું જ થયું છે. અત્યાર સુધીમાં આ કામ 70 ટકા જેટલું પૂરું થઈ જવું જોઈતું હતું. બાકી રહેતું કામ ચોમાસું બેસી જાય ત્યારબાદ કરાતું હોય છે.
હવે ચોમાસાને આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.
શહેરભરના નાળાઓની સફાઈ માટેનું ટેન્ડર ગયા માર્ચ મહિનાના આખરી સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરોને સફાઈ કામદારો ન મળવાને કારણે નાળાસફાઈનું કામ રખડી પડ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકા હદમાં જૂનું શહેર (દક્ષિણ), પૂર્વ તથા પશ્ચિમના ઉપનગરો આવે છે. પૂર્વ ભાગમાં, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સની અંદરથી વહેતી અને કુલ 21.50 કિલોમીટર લાંબી મીઠી નદી છેવટે માહિમ (પૂર્વ)માં ખાડીમાં મળી જાય છે, જે પાણી ત્યાંથી આગળ પશ્ચિમ તરફ વળીને અરબી સમુદ્રમાં ભળી જાય છે.
મીઠી નદીમાંથી દર વર્ષે ચોમાસા પૂર્વે 1 લાખ 38 હજાર 830 મેટ્રિક ટન જેટલો કચરો કાઢવામાં આવતો હોય છે. આમાંનો 70 ટકા જેટલો કચરો, એટલે કે 98,500 મેટ્રિક ટન કચરો ચોમાસા પૂર્વેની નાળાસફાઈ દરમિયાન કાઢવામાં આવે છે. આ વખતે આમાંથી માત્ર 26,118 મેટ્રિક ટન કચરો જ કાઢી શકાયો છે.
મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમાયેલા ઈકબાલ સિંહ ચહલે ગઈ કાલે નાળાસફાઈ અને મીઠી નદીમાંથી કચરો કાઢવાની કામગીરીનું સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
ચહલે સંબંધિત અધિકારીઓને કહ્યું છે કે ચોમાસાપૂર્વે જ સફાઈકામ પૂરું થઈ જવું જોઈએ. લોકડાઉનના અવરોધને બાજુએ કરીને આપણે આ કામોને ગતિ આપવી જરૂરી છે. એ માટે જરૂર પડે તો વધારે સાધનસામગ્રી અને કામદારો-મજૂરોને કામે લગાડો. જરૂર પડે તો બે શિફ્ટમાં કામ કરાવો અને સફાઈનું આ કામ પૂરું થઈ જવું જોઈએ.