ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને રૂ.11.65 કરોડનું રીફંડ આપવાનો ગ્રાહક અદાલતનો આદેશ

મુંબઈઃ અહીંના લોઅર પરેલ ઉપનગરમાં ‘વર્લ્ડ વન’ ટાવર હવે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ રહ્યું ન હોવાથી તેમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને વ્યાજની રકમ સાથે રૂ. 11 કરોડ 65 લાખનું રીફંડ આપવાનો નેશનલ કન્ઝ્યૂમર કમિશન (રાષ્ટ્રીય ગ્રાહક પંચ)એ આદેશ આપ્યો છે.

અગાઉ ‘વર્લ્ડ વન’ને દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક મકાન ગણાવતાં માત્ર તે એક જ કારણસર ગ્રાહકે 117 માળવાળા મકાનના 38મા માળ પર મોંઘો ફ્લેટ બુક કરાવ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહકને ખબર પડી કે આ મકાન હવે દુનિયાનું સૌથી ઊંચું નથી રહ્યું ત્યારે એણે તે ફ્લેટના વધુ હપ્તા ચૂકવવાનું અટકાવી દીધું હતું. એણે બિલ્ડરને કહ્યું કે મને 18 ટકાના વ્યાજ સાથે રીફંડ આપો.

ફરિયાદી દામોદરદાસ જ્વેલર્સે ગ્રાહક પંચને કહ્યું હતું કે 2014ના નવેમ્બરમાં શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ (જે હવે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે) તેના એક એજન્ટે પોતાનો સંપર્ક સાધ્યો હતો અને ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવવાની ઓફર કરી હતી. તેણે બિલ્ડિંગનું લોભામણું અને કલરફૂલ બ્રોશર બતાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે પાર્કિંગ માટેના અનેક માળ તેમજ તેની ઉપર રહેણાક માટેના 117 માળ બંધાઈ ગયા બાદ આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ બનશે. એમાં સ્વિમિંગ પૂલ હશે, સ્ટીમ અને સૌના રૂમ હશે, તેમજ બીજી ઘણી લેટેસ્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરખબરમાં જ ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગને ‘દુનિયાના સૌથી ઊંચા રેસિડેન્શિયલ ટાવર’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. એમાં જણાવાયું હતું કે પેરિસે દુનિયાને એફિલ ટાવર આપ્યો, દુબઈએ બુર્જ ખલિફા આપ્યો, હવે મુંબઈ આપે છે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ – ‘વર્લ્ડ વન’.

જાહેરખબરમાંના દાવાઓને માની લઈને દામોદરદાસે 2014ના ડિસેમ્બરમાં ‘વર્લ્ડ વન’માં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. 38મા માળ પર 2,044 સ્ક્વેર ફૂટ એરિયાવાળો ફ્લેટ ખરીદવા માટે એમણે ડિપોઝીટની રકમ ચૂકવી હતી. ફ્લેટ કુલ રૂ. 14.57 કરોડનો હતો. ગ્રાહક અદાલતમાં કેસ કર્યો ત્યાં સુધીમાં દામોદરદાસે રૂ. 11 કરોડ 66 લાખ ચૂકવી દીધા હતા. પૂરી રકમ એમણે 19 હપ્તામાં ચૂકવવાની હતી. પરંતુ, મકાનના 89 માળ બંધાઈ ગયા બાદ તેનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ દામોદરદાસ પાસેથી હપ્તાની માગણી ચાલુ રખાઈ હતી. બિલ્ડરે એમને કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની એને પરવાનગી મળી જશે. પરંતુ તે પરવાનગી એને મળી નહીં. તેથી દામોદરદાસે રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા જાગરૂક નાગરિકનો સંપર્ક કર્યો હતો. સંસ્થાએ 2019ના એપ્રિલમાં એમને સલાહ આપી હતી કે તેઓ શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ સામે ફરિયાદ નોંધાવે. ત્યારબાદ દામોદરદાસે રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં કેસ કર્યો હતો.

શ્રીનિવાસ કંપનીએ દલીલ કરી હતી, પણ પંચે તેના ચુકાદામાં કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની પરવાનગી ન મળ્યા બાદ તેણે ફરિયાદી દામોદરદાસે માગણી કર્યા મુજબ સોદો રદ કેમ નહોતો કર્યો? તેથી હવે બે મહિનામાં જ ગ્રાહકને તેણે ચૂકવેલી રકમનું વ્યાજ સાથે રીફંડ આપી દેવાનું રહેશે.