મુંબઈઃ શહેરના રસ્તાઓ પર ઠેરઠેર પડી ગયેલા ખાડાની સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ પરેશાન થઈ ગયા છે. આનો સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકાએ ડામરના રસ્તાઓને સીમેન્ટ-કોંક્રીટમાં બદલી નાખવાનું નક્કી કર્યું છે. હાલ ચોમાસાની મોસમ ચરમસીમાએ છે ત્યારે રસ્તાઓ પરના ખાડાઓને કારણે અકસ્માતો અને એને કારણે મરણના કિસ્સા વધી ગયા છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થવાને આરે છે ત્યારે વર્તમાન શાસક શિવસેના પાર્ટી નાગરિકોના ગુસ્સાને ટાળવાના પ્રયાસમાં છે. ખાડાઓ રાજકીય સ્તરે સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. મુંબઈમાં 2,055 કિ.મી.નો રોડ નેટવર્ક છે. મહાપાલિકાએ ડામરના 50 ટકા જેટલા રસ્તાઓને સીમેન્ટ કોંક્રીટમાં બદલી નાખ્યા છે. બાકીના રસ્તાઓને સુધારવાનું કામ ચાલુ છે.
અધિક મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુનું કહેવું છે કે ડામરના રોડ સૂકા હવામાન માટે યોગ્ય હોય છે. ભારે વરસાદમાં એ લાંબો સમય સુધી ટકતા નથી. ખાડાઓ વિશે મહાપાલિકાને અત્યાર સુધીમાં 10 હજારથી વધારે ફરિયાદો મળી ચૂકી છે. ખાડાઓની સમસ્યા દૂર કરવા માટે શહેરના પ્રત્યેક 24 વોર્ડને રૂ. 2-2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
