ગાયક અદનાન સામીનો પ્રશંસકોને આંચકો

મુંબઈઃ જાણીતા ગાયક અદનાન સામીએ એમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની તમામ પોસ્ટ અને ફોટાઓને ડિલીટ કરી દીધાં છે અને માત્ર એક જ ‘અલવિદા’ વંચાતી એક GIF ઈમેજ મૂકી દીધી છે. આને કારણે સામીના પ્રશંસકો ચિંતિત થઈ ગયા છે કે સામીને આવું કરવાની કેમ ફરજ પડી હશે. સામી એવી હસ્તીઓની યાદીમાં છે જેઓ સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય રહેતા હોય છે. અભૂતપૂર્વ કહેવાય એવી મહેનતથી શરીરનો મોટાપો દૂર કરાવ્યા બાદ પાતળા થવાથી સામી હેન્ડસમ બની ગયા છે. એમની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર અલવિદા મૂક્યાને અનેક કલાકો થઈ ગયા છે છતાં હજી જાણવા મળ્યું નથી આ કોઈ ટેક્નિકલ ખામીને કારણે થયું છે કે એમણે સોશ્યલ મીડિયાને કાયમને માટે છોડી દીધું છે. ઘણા ચાહકોએ કમેન્ટ બોક્સમાં લખ્યું છે. કોઈકે એમને સવાલ કર્યો છે કે તમે ઠીક તો છોને? તો કોઈકે પૂછ્યું છે કે શું આ તમારા કોઈ નવા ગીતનું ટાઈટલ છે?

90 અને 2000ના દાયકાઓમાં સામીએ ગાયેલા અનેક ગીત લોકપ્રિય થયા હતા. જેમાંના અમુક છેઃ ‘મૈ સિર્ફ તેરા મેહબૂબ, તુ મેરી મેહબૂબા’, ‘તેરા ચેહરા’, ‘ભીગી ભીગી રાત’, ‘દિલ ક્યા કરે’, ‘નૂર-એ-ખુદા’, ‘ભર દો જોલી મેરી’ 2020માં ભારત સરકારે એમને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]