મુંબઈ – 1993ના ભયાનક સિરિયલ બોમ્બ વિસ્ફોટોના કેસના અપરાધી અને ફાંસીની સજા પામેલા તાહિર મરચંટ ઉર્ફે તાહિર ટકલાનું આજે હૃદયરોગના હુમલાને કારણે મરણ નિપજ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, તાહિર ટકલાને પુણેની યરવડા જેલમાં પૂરવામાં આવ્યો હતો. એણે ગઈ કાલે વહેલી સવારે લગભગ 3 વાગ્યે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. એને પુણેની સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ એને જીવતો રાખવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પણ એ મૃત્યુ પામ્યો હતો.
ડોક્ટરોએ 3.45 વાગ્યે એને મૃત જાહેર કર્યો હતો.
તાહિર ટકલા મુંબઈના સિરિયલ બોમ્બ વિસ્ફોટોના કાવતરામાં સામેલ થયો હોવાનું સાબિત થયા બાદ ગયા વર્ષે એને કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. ટકલા પાકિસ્તાનમાં બોમ્બ હુમલાની તાલીમ લેવા પણ ગયો હતો. બ્લાસ્ટ્સના ષડયંત્રમાં સામેલ થનારાઓ માટે પાસપોર્ટની વ્યવસ્થા કરવા અને દુબઈમાં મીટિંગો ગોઠવવા માટે એ કસુરવાર જાહેર થયો હતો. બ્લાસ્ટ્સ કેસમાં ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહિમ મુખ્ય ષડયંત્રકાર છે.
તાહિર ટકલાને 2010માં પ્રત્યાર્પણ કાયદા અંતર્ગત અબુ ધાબીમાંથી ભારતમાં લાવવામાં આવ્યો હતો.
જેલવાસ દરમિયાન મૃત્યુ પામનાર તાહિર ટકલા બીજો અપરાધી છે. ગયા વર્ષે મુસ્તફા ડોસા નામનો અપરાધી પણ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યો હતો.
1993ની 12 માર્ચના શુક્રવારે મુંબઈમાં બપોરે 1.30 વાગ્યાથી લઈને 3.40 સુધીમાં 12 બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં 257 જણ માર્યા ગયા હતા અને બીજાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ વિસ્ફોટો માટે શેરબજાર, હોટેલ્સ, ઓફિસ બિલ્ડિંગ્સ, બેન્ક્સ, પેટ્રોલ પમ્પ્સ, બજારો જેવા સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.