મુંબઈમાં મૂકાશે સેંકડો પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ

મુંબઈ – પ્લાસ્ટિકની થેલીઓ અને બોટલ્સના વપરાશ પર મહારાષ્ટ્ર રાજ્યમાં મૂકાયેલા પ્રતિબંધથી અનુકૂળ થવામાં નાગરિકોને મદદરૂપ થવા મુંબઈ મહાનગરપાલિકા શહેરમાં અનેક ઠેકાણે 500 જેટલા પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનો મૂકશે. આ માટેનો ખર્ચ કોર્પોરેટ કંપનીઓ ભોગવશે.

આ મશીનોને જાહેર ઉદ્યાનો, બજારો કે ગેટવે ઓફ ઈન્ડિયા અને મરીન લાઈન્સ જેવા પર્યટન સ્થળોએ મૂકવામાં આવશે.

ફોર્ટ વિસ્તાર (મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય), કોલાબા અને નરીમાન પોઈન્ટમાં આવા મશીનો વધારે સંખ્યામાં આવશે.

આ મશીનોની ક્ષમતા દરરોજ 50 હજારથી વધારે મશીનોને ક્રશ કરવાની છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું છે કે મલ્ટિપ્લેક્સીસ, હોટેલ્સ, સોસાયટીઓ તથા રેસ્ટોરન્ટ્સ જેવા ખાનગી સ્થળોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકની પ્રતિબંધિત ચીજવસ્તુઓ એકત્ર કરવા માટે જાહેર બજારોમાં 25 સ્થળોને ઓળખી કાઢ્યા છે, જ્યાં તે આવા મશીનો મૂકાવશે.

મહારાષ્ટ્ર સરકારે ગઈ 23 માર્ચે સિંગલ-યૂઝ પ્લાસ્ટિક અને થર્મોકોલની ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે PET, PETE બોટલ્સને બાકાત રાખી છે. મહાપાલિકાએ એવી ડિપોઝીટરી બાયબેક સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત વ્યક્તિએ 1 લિટર કરતા ઓછી હોય એવી મિનરલ વોટર કે સોફ્ટ ડ્રિન્કની બોટલ ખરીદવા માટે બે રૂપિયા વધારે ચૂકવવા પડશે.

પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોને અગાઉ 2016માં પશ્ચિમ રેલવેએ પણ ચર્ચગેટ સ્ટેશન પર મૂકાવ્યા હતા. આ મશીનો રેફ્રિજરેટરના કદના હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]