મુંબઈમાં બેસ્ટની હડતાળ ચાલુ જ રહેશે; કર્મચારીઓની સભામાં લેવાયો નિર્ણય

મુંબઈ – આઠ દિવસથી શહેરમાં ચાલી રહેલી ‘બેસ્ટ’ કંપનીના બસકર્મચારીઓની હડતાળને આજે જ પાછી ખેંચી લેવાનો  મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે તે છતાં હડતાળીયા કર્મચારીઓએ નિર્ધાર કર્યો છે કે તેઓ એમની હડતાળ પાછી નહીં ખેંચે.

આનો મતલબ એ થયો કે જાહેર બસ સેવાથી વંચિત રહેલી મહાનગરની જનતાની કફોડી હાલત આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

આજે હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ બેસ્ટ કામદારોએ વડાલા ખાતે એમની એક સભા બોલાવી હતી. એમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે હડતાળ ચાલુ જ રાખવી.

હડતાળની વિરુદ્ધમાં બેસ્ટ વહીવટીતંત્રએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. તેની પર આજે કરેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બેસ્ટ કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે એમણે આજે રાત સુધીમાં એમની હડતાળ પાછી ખેંચી લેવી.

પરંતુ કર્મચારીઓએ હડતાળ પાછી ન ખેંચવાનો નિર્ધાર કર્યો છે. કર્મચારીઓના યુનિયનોની સંયુક્ત કૃતિ સમિતિના સભ્ય શશાંક રાવે કહ્યું છે કે બેસ્ટ પ્રશાસનનો ઈરાદો કામદારોનો પગાર કાપવાનો અને બેસ્ટનું ખાનગીકરણ કરવાનો છે, જે અમને મંજૂર નથી.

શશાંક રાવે કહ્યું છે કે હડતાળ પાછી ખેંચી લેવાનો કોર્ટે આદેશ આપ્યો છે તે છતાં જ્યાં સુધી અમારી બધી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે પીછેહઠ કરવાના નથી. અમારે માટે આ ‘ડેથ વોરંટ’ સમાન છે તેથી અમે આવતીકાલે કોર્ટ સમક્ષ અમારી લાગણી રજૂ કરીશું.

સભામાં બેસ્ટ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.